Tata Group will merge 4 airlines under Air India:
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં અને ભારતથી વિદેશોનો કે વિદેશીઓનો ભારત પ્રવાસનો અનુભવ હવે બદલાઈ શકે છે. ગત સપ્તાહે શુક્રવારે (28 જાન્યુઆરી) એક મહત્ત્વનો પ્રસંગ આ પરિવર્તનનો સાક્ષી બની રહ્યો છે. લગભગ 70 વર્ષ પહેલા ભારતના મોખરાના ઉદ્યોગ ગૃહોમાંના એક, ટાટા ગ્રુપે શરૂ કરેલી એરલાઈન, એર ઈન્ડિયા સરકારે તેની પાસેથી રાષ્ટ્રીયકરણના નામે હસ્તગત કરી લીધી હતી, તે 28 જાન્યુઆરી, 2022ના રોજ સંપૂર્ણપણે ફરી ટાટા ગ્રુપની માલિકીની અને તેના દ્વારા સંચાલિત એરલાઈન બની ગઈ છે.

ટાટા ગ્રુપે એરલાઈનનો સંપૂર્ણ વહિવટ પોતાને હસ્તક આવ્યાની પ્રવાસીઓને અનુભૂતિ થાય તે માટે બે નાના પરિવર્તન સાથે સંચાલનમાં પરિવર્તનનો અહેસાસ કરાવ્યો હતો. સૌપ્રથમ તો સંચાલકોએ શુક્રવારે દરેક ફલાઈટમાં એવી એનાઉન્સમેન્ટ કરાવી હતી કે, “ પ્રિય મહેમાનો, આપની ફલાઈટના કેપ્ટન આપને સંબોધન કરી રહ્યા છે. આ ઐતિહાસિક ફલાઈટના પ્રવાસમાં આપનું સ્વાગત છે. આ એક ખાસ પ્રસંગ છે. આજે, એર ઈન્ડિયા સત્તાવાર રીતે, સાત દાયકાના ગાળા પછી ફરી એકવાર ટાટા ગ્રુપનો હિસ્સો બની રહી છે. અમે આ તેમજ એર ઈન્ડિયાની દરેક ફલાઈટમાં નવેસરની પ્રતિબદ્ધતા અને ઉત્કટતાથી આપની સેવા માટે આતુર છીએ.”

ઈન્ડિયા ટુડે ગ્રુપના અહેવાલ મુજબ નવા સંચાલન હેઠળ એર ઈન્ડિયા મેનેજમેન્ટ દ્વારા સૌથી વધુ મહત્ત્વ તો ફલાઈટ્સના સમયસરના સંચાલન ઉપર રહેશે અને શુક્રવારે મુંબઈથી ગોવાની એ ફલાઈટ લગભગ સમયસર રવાના થઈ હતી અને પહોંચી પણ હતી. નોંધ લેવા જેવા અન્ય બે નાના છતાં મહત્ત્વના પરિવર્તનોમાં એક તો એનાઉન્સમેન્ટમાં પ્રવાસીનું સંબોધન મહેમાનો તરીકે કરાયું હતું, તો બીજું પરિવર્તન ફલાઈટમાં મહેમાનો માટે ભોજન પિરસવાનું પણ ફરીથી શરૂ થયાનું હતું. તે ઉપરાંત, અગાઉ બંધ કરાયા પછી એર ઈન્ડિયાની ફલાઈટમાં હવે ફરીથી નોન વેજ ભોજન પિરસવાનો પણ ફરી આરંભ કરાયો છે. લગભગ ચાર વર્ષ પહેલા ભારત સરકારના નિર્ણય અનુસાર એર ઈન્ડિયા ભારતની ડોમેસ્ટિક ફલાઈટ્સમાં નોન વેજ ભોજન પિરસવાનું બંધ કરાયું હતું. એ ગાળામાં ફક્ત વેજીટેરીઅન ભોજન જ પિરસાતું હતું. બન્ને પ્રકારના ભોજન પિરસવાનો આરંભ મુંબઈ – દિલ્હીની ફલાઈટ્સમાં તેમજ મુંબઈ – નેવાર્કની ફલાઈટ એઆઈ 191થી કરાયો છે અને તબક્કાવાર વધુ ફલાઈટ્સમાં તે સેવાઓ ઉપલબ્ધ કરાવાય તેવી શક્યતા છે. ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે નોન – વેજ ભોજન ચાર વર્ષ પછી ફરી પિરસવાનું શરૂ કરાયું છે.
એર ઈન્ડિયાના માલિકીના હસ્તાંતરણની પ્રક્રિયા ગુરૂવારે (27 જાન્યુઆરી) પુરી થયાના પ્રસંગે ભારતના સિવિલ એવીએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિવિધ મીડિયા હાઉસ સાથેની વાચચિતમાં એર ઈન્ડિયાના આ સોદાને પડકારજનક ગણાવ્યો હતો, તો સાથે સાથે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને ફરી તેના મોખરાના સ્થાને લઈ જશે.

ટાટા ગ્રુપ હાલમાં ભારતમાં ત્રણ એરલાઈન્સમાં બહુમતી માલિકી હિસ્સો ધરાવે છે અને તેના સંચાલનમાં પણ સક્રિય છે. એર ઈન્ડિયા ઉપરાંત સિંગાપોર એરલાઈન્સ સાથેના સહયોગમાં તે વિસ્તારા તથા એર એશિયા મલેશિયા સાથેની ભાગીદારીમાં એર એશિયા ઈન્ડિયાની પણ માલિકી ધરાવે છે.