વેલ્સમાં એમેઝોન ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર (istockphoto.com)

કોરોના મહામારીને પગલે એમેઝોનડોટકોમ ઇન્કે વિશ્વભરના તેના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમના વિકલ્પને જૂન 2021 સુધી લંબાવવાની મંગળવાર, 20 ઓક્ટોબરે જાહેરાત કરી હતી.

એમેઝોનના પ્રવક્તાએ મંગળવારે ઇ-મેઇલ નિવેદનમાં જણાવ્યું હતું કે જે કર્મચારીઓ ઘરેથી અસરકારક કામગીરી કરી શકે તેઓ 30 જૂન 2012 સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. આ ગાઇડન્સ વિશ્વભરમાં લાગુ પડશે.

એમેઝોને અગાઉ જાન્યુઆરી 2021 સુધી વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપ્યો હતો. વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રિટેલરે ત્રણ સપ્તાહ પહેલા જણાવ્યું હતું કે આ વર્ષે તેના 19,000થી વધુ યુએસ ફ્રન્ટલાઇન વર્કર્સ કોરોના સંક્રમિત બન્યાં છે. તાજેતરના મહિનાઓમાં કેટલાંક યુનિયન સહિતના લોકોએ જણાવ્યું હતું કે એમેઝોન મહામારી દરમિયાન તેના વેરહાઉસ ખુલ્લાં રાખીને કર્મચારીઓના આરોગ્યને જોખમમાં મૂકી રહી છે.

આ વર્ષના મે મહિનામાં ટ્વીટર ઇન્કેસ એવી પ્રથમ અગ્રણી ટેકનોલોજી કંપની બની હતી કે જેને કર્મચારીઓને અનિશ્ચિત મુદત સુધી વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપ્યો હતો. અગાઉ ફેસબુક ઇન્કે આગામી વર્ષના જુલાઈ સુધી વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપ્યો હતો, જ્યારે ગૂગલે જૂન સુધી ઘરેથી કામ કરવાની કર્મચારીઓને છૂટ આપી હતી.