પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના મિડવેસ્ટના કેટલાય રાજ્યોમાં ગયા સપ્તાહે શુક્રવારે મધ્ય રાત્રીથી શનિવાર સવાર સુધી શ્રેણીબદ્ધ વંટોળિયાઓએ (ટોર્નેડોઝ) અનેક શહેરોને ધમરોળી વ્યાપક વિનાશ વેર્યો હતો. ખાસ કરીને કેન્ટુકીના મેફિલ્ડમાં તો એક કેન્ડલ ફેક્ટરીમાં 100થી વધુ લોકો કામ કરી રહ્યા હતા ત્યારે આ વંટોળિયો ત્રાટકતા ફેકટરી અને લગભગ આખું મેફિલ્ડ નગર સાફ થઈ ગયું હતું, કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હતું. એકલા મેફિલ્ડ અને કેન્ટુકીમાં જ 80નો મૃત્યુ આંક નોંધાયો છે અને તે પણ હજી વધવાની શક્યતા છે. ગવર્નર બેશીયરે મેફિલ્ડમાં જ મૃત્યુઆંક 100થી વધુનો થયાની શક્યતા દર્શાવી હતી. બીજા રાજ્યો મળીને પણ સોમવારે સવાર સુધીમાં સત્તાવાર મૃત્યુ આંક 94નો જાહેર કરાયો હતો.

પ્રેસિડેન્ટ બાઈડેન સહિતના સત્તાધિશોએ આ શ્રેણીબદ્ધ વંટોળિયાઓને ઐતિહાસિક, ભારે વિનાશક ગણાવ્યા હતા. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશીયરે તો એવું કહ્યું હતું કે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે, પણ મેફિલ્ડમાં હવે કોઈ જીવતું મળી આવે તેવી આશા નથી, એવું થાય તો એ ચમત્કાર જ ગણાશે. બાઈડેને કહ્યું હતું કે અસરગ્રસ્ત રાજ્યોને ફેડરલ સરકાર તરફથી તમામ સહાય મળશે, કેન્ટુકીમાં તો હોમલેન્ડ સીક્યુરીટી અને ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીની ટીમો પહોંચી ગઈ છે. રાહત અને બચાવ ટીમો રવિવારે અસરગ્રસ્તોને સહાય તેમજ ફસાયેલાઓને બચાવવા પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા ભાગના લોકો વંટોળિયાઓએ વેરેલા વિનાશ આઘાત પામેલી અવસ્થામાં હતા. કેન્ટુકીના વંટોળિયાએ 227 માઈલ સુધીના વિસ્તારમાં જમીન ઉપર વિનાશ વેર્યો હતો.
કેન્ટુકી ઉપરાંત ઈલીનોઈસના એડવર્ડ્સવિલેમાં એમેઝોનના એક વેરહાઉસને થયેલા વ્યાપક નુકશાનમાં પણ ક્રિસમસના કામના ભારણના પગલે મોટી સખ્યામાં લોકો રાત્રે પણ ફરજ ઉપર હતા ત્યારે વંટોળિયો ત્રાટકતાં ઓછામાં ઓછા છ માણસો માર્યા ગયા હતા. ત્યાં ફાયર વિભાગના વડા જેમ્સ વ્હાઈટફોર્ડે જણાવ્યું હતું કે, એમેઝોનના વેરહાઉસમાંથી 45 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે મૃત્યુઆંક છથી વધુનો થવાની શક્યતા છે.

સ્ટોર્મ ટ્રેકર્સના જણાવ્યા મુજબ વંટોળિયાની ઝપટમાં આવેલી વસ્તુઓ રમકડાની જેમ હવામાં ફંગોળાઈને 30,000 ફૂટ ઉંચે સુધી ઉછળી હતી, કેન્ટુકીના વંટોળિયાએ તીવ્રતામાં લગભગ એક સદીનો રેકોર્ડ તોડ્યો હતો. વંટોળિયાઓથી અસરગ્રસ્ત અન્ય રાજ્યોમાં ટેનેસીમાં ચાર, આર્કાન્સાસમાં તથા મિસોરીમાં બે-બેના મોત નિપજ્યા હતા. મિસિસિપ્પીમાં પણ વંટોળિયાએ ખાનાખરાબી સર્જી હતી.

આહોઆની મદદની અપીલઃ કેન્ટુકી સહિતના અસરગ્રસ્ત રાજ્યોમાં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન – આહોઆના પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીને સભ્યોને વિનંતી કરી છે કે, તેઓ રાહત અને બચાવ કામગીરીમાં યથાશક્તિ ફાળો આપે.