પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પંજાબ લોક કોંગ્રેસ નામના નવા પક્ષની સ્થાપના કરી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે જ અમરિન્દરસિંઘે નવા પક્ષની રચના કરી હોવાથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.
પક્ષના નામ સામે દેશના ચૂંટણી પંચને કોઇ વાંધો વિરોધ નથી એવું પ્રમાણપત્ર આવી ગયા બાદ અમરિન્દર સિંઘ વિધિવત રીતે તેમના નવા રાજકીય પક્ષની પ્રક્રિયા શરૂ કરશે.
પોતાના સાત પાનાંના રાજીનામા પત્રમાં અમરિન્દર સિંઘે તેમના રાજ્યના મુખ્યપ્રધાન પદેથી હકાલપટ્ટી બદલ હાઇકમાન્ડ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામાના પત્રમાં કેપ્ટને પોતાના શાસન દરમ્યાન રાજ્ય દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓની યાદી ગણાવી હતી.
અમરિન્દરે પત્રમાં પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંઘ સિદ્ધુ અને કોંગ્રેસના પ્રભારી હરિશ રાવતની પણ આકરી ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે નવજોતસિંઘ સિદ્ધુ સાથે થયેલા ખુબ જ કડવા સંઘર્ષ બાદ કેપ્ટને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું ધરી દીધું હતું.
પોતાના રાજીનામામાં કેપ્ટને સોનિયા ગાંધીને કહ્યું હતું કે તેમના 52 વર્ષના જાહેર જીવનને સારી રીતે જાણવા છતાં તે ક્યારેય તેમને કે તેમના ચારિત્ર્યને સમજી શક્યા નહોતા. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપર સિદ્ધુને ટેકો આપવાનો આરોપ મૂક્યો હતો. નવજોતસિંઘ ઉપર અંકુશ મૂકવાને બદલે રાહુલ અને પ્રિયંકાએ તેની તમામ પ્રવૃત્તિઓનું સમર્થન કર્યું હતું એમ કેપ્ટને કહ્યું હતું.