ભારતમાં 13 રાજ્યોની 29 વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો પર મંગળવારે જાહેર થયેલા પરિણામો ભાજપ માટે માઠા સાબિત થયા છે. હિમાચલ અને બંગાળમાં ભાજપી કારમી હાર થઇ છે. જોકે, આસામમાં ભાજપની જીત થઇ હતી અને બિહાર-પૂર્વોત્તરના રાજ્યોએ એનડીએને વધુ બેઠકો અપાવી હતી. 29 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે સૌથી વધુ આઠ બેઠક જીતીને ભાજપને આગામી ચૂંટણીઓ માટે સીધો પડકાર ફેંક્યો છે. વિધાનસભા બેઠકોમાં પક્ષ તરીકે કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી છે જ્યારે સાથી પક્ષોની મદદથી એનડીએએ 30માંથી કુલ 11 બેઠકો જીતી હતી. પેટા ચૂંટણીઓમાં હિમાચલ સિવાય મોટાભાગે રાજ્યોના શાસક પક્ષોનું પ્રભુત્વ રહ્યું હતું. આવતા વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અગાઉ આ પરિણામો ભાજપ માટે ચિંતાજનક રહ્યા હોવાનું માનવામાં આવે છે.