(ANI Photo)

ખાલિસ્તાનના મુદ્દે G20 સમીટ દરમિયાન વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોને ઠપકો આપ્યા પછી ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વધુ કથળ્યાં છે. કેનેડાના વેપાર પ્રધાન મેરી એનજીએ ઓક્ટોબરમાં આયોજિત ભારત માટેના વેપાર મિશનને અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખ્યું છે. અગાઉ ભારતે જાહેરાત કરી હતી કે કેનેડામાં વિધ્વંસક પ્રવૃત્તિઓ બંધ નહીં થાય ત્યાં સુધી કેનેડા સાથેની વેપાર મંત્રણા સ્થગિત રહેશે.

કેનેડાના વેપાર મંત્રીના પ્રવક્તા શેન્ટી કોસેન્ટિનોએ જણાવ્યું હતું કે હાલમાં અમે ભારતમાં આગામી વેપાર મિશનને મુલતવી રાખીએ છીએ. પ્રવક્તાએ આ માટે કોઇ કારણ આપ્યું ન હતું. ઓગસ્ટમાં અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ અથવા EPTAને મોકૂફ રાખ્યા પછી કેનેડિયન સરકારે હવે ઓક્ટોબરમાં નિર્ધારિત ભારતમાં ટ્રેડ મિશનને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખ્યું છે.

9 ઓક્ટોબરથી આંતરાષ્ટ્રીય વેપાર પ્રધાન મેરી એનજીના વડપણ હેઠળ કેનેડાનું વેપાર પ્રતિનિધિમંડળ પાંચ દિવસ માટે ભારતની મુલાકાતે આવવાનું હતું. જોકે કેનેડિયન મીડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વેપાર મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. ભારતીય  એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમને આ નિર્ણયની જાણ મીડિયા દ્વારા જ થઈ હતી.

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પીયૂષ ગોયલ આ વર્ષે મે મહિનામાં દ્વિપક્ષીય મુલાકાત માટે કેનેડામાં હતા ત્યારે વેપાર મિશનની જાહેરાત કરવામાં આવી હતી. ટ્રેડ મિશનને મુલતવી રાખવાનો નિર્ણય કેનેડામાં ખાલિસ્તાન તરફી પ્રવૃતિઓના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયાનો સંકેત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 નેતાઓની સમીટ દરમિયાન દિલ્હીમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી અને કેનેડામાં ઉગ્રવાદી તત્વોની ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે ભારતની ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. આના થોડા કલાકોમાં ખાલિસ્તાની તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસે સરેના એક ગુરુદ્વારામાં કથિત ખાલિસ્તાન જનમતસંગ્રહ કર્યો હતો અને પછી તે જ શહેરમાં 29 ઓક્ટોબરે મતદાનના બીજા રાઉન્ડની જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY