યુકેના 101 સૌથી ધનિક દક્ષિણ એશિયનોનું રેન્કિંગ ધરાવતા નવીનતમ સંસ્કરણ એશિયન રિચ લિસ્ટ 2026નું શુક્રવાર તા. 21 નવેમ્બરના રોજ લંડનમાં એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં વિમોચન થનાર છે. એશિયન રિચ લિસ્ટમાં હિન્દુજા પરિવારે અંદાજિત £37 બિલિયનની સંપત્તી સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. 2024માં તેમની સંપત્તીનું મુલ્ય £34.4 બિલિયન હતું. આ મહિનાની શરૂઆતમાં ગોપીચંદ (જીપી) હિન્દુજાના અવસાન પછી, વૈશ્વિક સાહસનું નેતૃત્વ હયાત ભાઈઓ પ્રકાશ અને અશોક તેમજ ગોપીચંદના બાળકો ધીરજ અને સંજય અને તેમના અન્ય ભત્રીજા કરી રહ્યા છે.
વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલનું નેતૃત્વ કરતા લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય £15.5 બિલિયનની સંપત્તી સાથે બીજા ક્રમે અને ત્રીજા સ્થાને એસપી લોહિયા અને તેમનો પરિવાર છે, જેમની ઇન્ડોરામા વેન્ચર્સ તેના રીસાયકલ કરી શકાય તેવા પીઈટી ઉત્પાદનો તેમજ ખાતરોના ઉત્પાદનો માટે જાણીતા છે.
આ લીસ્ટમાં સામેલ 101 સાઉથ એશિયન ઉદ્યોગપતિઓની સંયુક્ત સંપત્તિ £140 બિલિયન છે, જે 2024માં £126.27 બિલિયન હતી.
એશિયન રિચ લિસ્ટ ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત ન્યૂઝ વિકલી પ્રકાશિત કરતા એશિયન મીડિયા ગ્રુપના એક્ઝિક્યુટિવ એડિટર શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, “તેમના ક્ષેત્રોના આધારસ્તંભ રહેનારા લેગસી સમૂહોમાં અને હોસ્પિટાલિટી, રીટેઈલ, હેલ્થકેર, પ્રોપર્ટી, ફાઇનાન્સ અને ઉદ્યોગમાં એશિયન બિઝનેસ લીડરશીપનો વ્યાપ અને ગહનતા અજોડ છે. આ વર્ષની યાદીમાં યુકેની પૃષ્ઠભૂમિ સામે દેખાય છે, જ્યાં નાજુક અને સતત વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વૃદ્ધિ સ્થિર થઈ છે. તેમ છતાં, હંમેશની જેમ, બ્રિટિશ એશિયન ઉદ્યોગસાહસિકોએ આ પડકારોનો સામનો સ્થિતિસ્થાપકતા, સર્જનાત્મકતા અને લાક્ષણિક દૃઢ નિશ્ચય સાથે કર્યો છે. કેટલાક એશિયન કૌટુંબિક બિઝનેસીસનું સંચાલન અનેક પેઢીઓથી કરવામાં આવી રહ્યું છે.”
ચાન્સેલર રેચલ રીવ્સ 26 નવેમ્બરના રોજ ઑટમ બજેટમાં નાણાકીય લક્ષ્યો પૂર્ણ કરવા £10 બિલિયન એકત્ર કરશે તેવી વ્યાપક અપેક્ષા છે.
કન્ઝર્વેટિવ્સના નેતૃત્વ હેઠળની સરકારના 14 વર્ષ પછી, 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના જંગી વિજય પછી, વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે આર્થિક વિકાસને પ્રાથમિકતા આપી હતી.
જોકે, ઘણા ઉદ્યોગસાહસિકોએ એશિયન રિચ લિસ્ટને જણાવ્યું હતું કે તેઓ ઇન્હેરીટન્સ ટેક્સને કારણે યુકે છોડવાનું વિચારી રહ્યા છે. કેટલાકે દુબઈ, અબુ ધાબી અથવા પોર્ટુગલમાં સ્થળાંતર કર્યું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સુરિન્દર અરોરા જેવા અન્ય લોકોએ કહ્યું હતું કે તેઓ બ્રિટન છોડી રહ્યા નથી.
તાજેતરમાં લ્યુટન હૂનું સંપાદન કરનાર હોટેલિયર અરોરાએ કહ્યું હતું કે “લંડનનો અડધો ભાગ ત્યાં (દુબઈમાં) છે. ઈન્હેરીટન્સ ટેક્સ બિઝનેસીઝ માટે ઘાતક છે. પત્ની સુનિતા અને મારી વચ્ચે ખૂબ જ ગંભીર ચર્ચા થઈ. અમે એક સમયે બે કે ત્રણ અઠવાડિયાથી વધુ સમય માટે દુબઈ જઈએ છીએ. મને ગરમી ગમે છે. પરંતુ અમે અમારી આ ઉંમરે કાયમી ધોરણે સ્થળાંતર નહીં કરવાનું નક્કી કર્યું છે.”
યુવાન વયે ભારતથી આવેલા અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પોતાનું નસીબ બનાવનાર અરોરાએ એશિયન રિચ લિસ્ટને કહ્યું હતું કે “મને હંમેશા આ દેશ ખૂબ ગમ્યો છે. દુઃખની વાત છે કે, હું વર્તમાન સરકારની ઉચ્ચ કરવેરા અને ધનિકોને ભગાડવાની નીતિમાં માનતો નથી. આ તકોનો દેશ રહ્યો છે જ્યાં મારા જેવો, કોઈ ઔપચારિક શિક્ષણ વિનાનો વ્યક્તિ આવી શકે છે, થોડી સફળતા મેળવી શકે છે અને 3,000 લોકોને રોજગારી આપી શકે છે.”
ગયા વર્ષે જુલાઈમાં યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા હતા અને સ્ટાર્મર તથા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેકર્સ ખાતે FTA ને અંતિમ સ્વરૂપ આપ્યું હતું જેથી આ દેશમાં વધુ જોબ્સનું સર્જન થવાની સંભાવના છે.
યુકેના વડા પ્રધાને ઇસ્ટર્ન આઇને એક્સક્લુસિવ મુલાકાતમાં કહ્યું હતું, “મને લાગે છે કે બ્રિટિશ ભારતીય બિઝનેસીસ માટે, બ્રિટિશ એશિયન બિઝનેસીસ માટે, અમે EU છોડ્યા પછી આ સૌથી મહત્વપૂર્ણ કરાર છે. તે ભારત સાથેના કોઈપણ કરારની શ્રેષ્ઠ શરતો છે.”
ચોક્કસપણે, ભારત પરંપરાગત ઉદ્યોગોથી લઈને ફિન-ટેક સુધીના તમામ ક્ષેત્રોમાં તકો પ્રદાન કરે છે.
દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી એક સમિટમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે (જેઓ આ લીસ્ટમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે £710 મિલિયન સાથે 28મા ક્રમે છે) કહ્યું હતું કે “મારા મનમાં વેપાર કરારો બે મહત્વની બાબતો દર્શાવે છે. અહીં ઘટાડેલા ટેરિફ અને ત્યાં ઘટાડેલા અવરોધો. દુનિયા વધુ સંરક્ષણવાદી બની રહી છે, યુકે અને ભારત જેવા દેશો મોટા, સઘન વેપાર કરાર પર હસ્તાક્ષર કરીને વિશ્વને ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ સંકેત આપે છે.’’
“અને બીજું, તે બિઝનેસીસ, સિવિલ સોસાયટી, સાંસ્કૃતિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓને કહે છે કે સંબંધ મહત્વના છે. લોકોને તેમના દેશોના નેતાઓ તરફથી સંકેત મળી રહ્યો છે કે આ સંબંધ આપણી સરકારો માટે મહત્વપૂર્ણ છે, અને પછી તેઓ વેપાર કરારના લખાણની બહાર તેને મજબૂત કરવાના રસ્તા શોધશે, અને તે જ તેના વિશે ખૂબ શક્તિશાળી છે.”
આર્સેલરમિત્તલે કહ્યું હતું કે તે ભારતમાં ઉત્પાદન વધારવાની યોજના ધરાવે છે, અને રીન્યુએબલ એનર્જીમાં પણ ભારે રોકાણ કરી રહી છે. ભારતમાં તેના વિન્ડ અને સોલાર એનર્જી ફાર્મ આંધ્ર પ્રદેશ – દક્ષિણ ભારતમાં છે અને કંપની ઓટો અને બાંધકામ ઉદ્યોગો માટે વિશેષ સ્ટીલ પણ બનાવી રહી છે.
એશિયન બિઝનેસ લીડર્સ તેમની કંપનીઓના રોજિંદા સંચાલનથી દૂર થઈ ગયા હોય, ત્યારે તેઓ તેમના બાળકો અને પૌત્રોને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડીને તેમાં સામેલ રહે છે.
કાપારોમાં ગત ઓગસ્ટમાં અવસાન પામેલા લોર્ડ સ્વરાજ પૌલના પુત્રો, પુત્રી અને પૌત્રોએ અમેરિકા અને ભારતમાં જૂથની વિવિધ સંસ્થાઓ માટે જવાબદારીઓ વહેંચી છે, જ્યારે જોગીન્દર સેંગરના પુત્ર ગિરીશ અને પુત્રી રીમાએ આ વર્ષની શરૂઆતમાં તેમના પિતાના મૃત્યુ પછી તેમના પિતાની કંપનીનો હવાલો સંભાળ્યો છે.
શ્રી શૈલેષ સોલંકીએ કહ્યું હતું કે “આ ગાથાઓને એક કરતી બાબત ફક્ત વ્યાપારી કુશળતા નથી, પરંતુ સહનશક્તિની વૃત્તિ છે – અનુકૂલન કરવાની ક્ષમતા, તક ઝડપી લેવાની અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે નિર્માણ કરવાની ક્ષમતા છે.”
મેટડિસ્ટ ગ્રુપ (32મો ક્રમ, £580 મિલિયન)ના પ્રમુખ અને સીઈઓ અપૂર્વ બાગરીએ જણાવ્યું હતું કે, “યુકેના પોલીસી મેકર્સ માટે મોટો પડકાર એ છે કે તમે યુકેને રોકાણકારો માટે આકર્ષક સ્થળ કેવી રીતે બનાવશો? સરકાર તમને સત્તાવાર જવાબ આપશે, પરંતુ મને નથી લાગતું કે તે પ્રશ્નનો જવાબ મળ્યો છે. મને નથી લાગતું કે તે પૂરતું કર્યું છે.”
*એશિયન બિઝનેસ એવોર્ડ્સનું સંપૂર્ણ કવરેજ 28 નવેમ્બરના ગરવી ગુજરાતના સંસ્કરણમાં પ્રકાશિત થશે.
એશિયન રિચ લિસ્ટની નકલનો ઓર્ડર કરવા માટે, [email protected] ઉપર ઇમેઇલ કરો અથવા 020 7654 7737 ઉપર કૉલ કરવા વિનંતી.
2024થી બિલીયેનેર્સની સંખ્યા 17 પર યથાવત છે. આ વખતે ટેક ઉદ્યોગસાહસિક હર્મન નરુલા (£700 મિલિયન સાથે 29મો ક્રમ); કન્સ્ટ્રક્શન બિઝનેસમેન રાજ માનક (£295 મિલિયન સાથે 61મો ક્રમ) અને ફૂડ એન્ટ્રપ્રનર અમીન મેરાલી (£135 મિલિયન સાથે 101મો ક્રમ) સાથે ત્રણ નવી એન્ટ્રીઓ થઇ છે.
ટોચની 25 એન્ટ્રીઓમાં 22 લોકોએ તેમની સંપત્તિમાં વધારો કર્યો છે; તેઓ ઉદ્યોગ, નાણાં, ફૂડ, રીટેઇલ, હોલસેલ, ફાર્માસ્યુટિકલ્સ, હોસ્પિટાલીટી, શિપિંગ અને પ્રોપર્ટી વગેરેમાં રસ ધરાવે છે.
ઘણા પરિવાર સંચાલિત સાહસો છે, જેમ કે 90 વર્ષના થયેલા બેસ્ટવે ગ્રુપના સ્થાપક સર અનવર પરવેઝ અને તેમના ભત્રીજા લોર્ડ ઝમીર ચૌધરીએ કંપનીની સુવર્ણ જયંતિ ઉજવી હતી.











