યુકેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસમા કારણે 778 લોકો મોતને ભેટ્યા હતા જે સાથે મોતને ભેટેલા કમનસીબ લોકોનો આંક 12,107 થયો હતો. અધિકારીઓએ વધુ 5,252 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની જાહેરાત કરી હતી. વધતા જતા મોત અને ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા જોઇને બ્રિટન દેશવ્યાપી લોકડાઉન સતત ચોથા અઠવાડિયામાં પણ અમલી બનાવાયુ છે.

એનએચએસ ઇંગ્લેન્ડે તેની હોસ્પિટલોમાં વધુ 744 લોકોના મોત નિપજ્યાં હોવાનુ જણાવ્યુ હતુ. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 34 લોકોના મોત થયા હતા. આજે બહાર આવેલા આંકડા દર્શાવે છે કે મૃત્યુની સાચી સંખ્યા 15 ટકા જેટલી વધારે હોઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા મરણને કારણે યુકેમાં મરણઆંક રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો.

ગઈકાલે સોમવારે નોંધાયેલા 717 લોકોના મૃત્યુ કરતા આજનો આંક થોડો વધારે છે. કુલ દર્દીઓની સંખ્યા 93,873 થઈ છે. ઇંગ્લેન્ડમાં આજના નવા અપડેટ મુજબ કુલ 11,005 લોકો મરણ પામ્યા છે.

મોતને ભેટેલા ઇંગ્લેન્ડના 744 દર્દીઓ 34 થી 102 વર્ષની વયના હતા. તેમાંથી 58 લોકો તંદુરસ્ત હતા અને સૌથી નાની વયના વ્યક્તિની વય 38 અને સૌથી વૃદ્ધની વય 96 હતી. લંડનમાં મંગળવારે 206 લોકો મૃત્યુ પામ્યા હતા. દરમિયાન નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 143 લોકો, મિડલેન્ડ્સમાં 109, ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 95, નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ અને યોર્કશાયરમાં 93, સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 73 અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 25 લોકોનાં મોત થયાં છે.

સ્કોટલેન્ડે કહ્યું હતુ કે તેમને ત્યાં 40 વધુ લોકોના મોત થયા છે. વેલ્સમાં 19 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 10 મળી કુલ 69 લોકોના મોત નિપજ્યાં હતા. એટલે કે બ્રિટનમાં મોતને ભેટેલા લોકોની સાચી સંખ્યા ઓછામાં ઓછી 12,142 છે.

આજે નોંધાયેલા નવા દર્દીઓની સંખ્યા તા. 5 એપ્રિલના રોજ નોંધાયેલા સર્વોચ્ચ 5,903 કરતા ઓછી છે જેથી વૈજ્ઞાનિકો માને છે કે હવે દર્દીઓની સંખ્યા એક સમાન થઇ રહી છે.

વૃદ્ધ લોકો મોટાભાગે મૃત્યુ પામે છે છતાં કેર હોમ્સમાં રહેતા 400,000 બ્રિટિશરોનો નિયમિત ટેસ્ટ કરાતો નથી. અત્યારે સપ્તાહમાં ફક્ત એક જ વખત કેરહોમમાં મરણ પામેલા લોકોના મોતનો આંક  અપડેટ કરાય છે જે મોટેભાગે 10 દિવસ જુના હોઇ શકે છે.