ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે હોબાર્ટમાં રમાયેલી ત્રીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવી સીરીઝમાં 1-1ની બરાબરી કરી હતી. ભારતનો ડાબોડી, યુવા ફાસ્ટ બોલર અર્ષદીપ સિંઘ 35 રનમાં ત્રણ વિકેટ લઈ પ્લેયર ઓફ ધી મેચ જાહેર થયો હતો. અર્શદીપે પહેલી અને ત્રીજી ઓવરમાં ઓસ્ટ્રેલિયાની બે મહત્ત્વની વિકેટો ખેરવી હતી.
આ રીતે, સીરીઝ હવે જીવંત અને રોમાંચક તબક્કામાં પહોંચી છે. અગાઉ બુધવારે કેનબેરામાં રમાયેલી પ્રથમ ટી-20 વરસાદના પગલે અધુરી મુકવી પડી હતી, તો મેલબોર્નમાં શુક્રવારે રમાયેલી બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું. રવિવારની મેચમાં ફક્ત 13 રન આપી ભારતની ત્રણ વિકેટ ખેરવવા બદલ જોશ હેઝલવુડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતેની મેચમાં ટ્રેવિસ હેડ તથા મિચેલ માર્શને સસ્તામાં ઘરભેગા કરાયા છતાં ટીમ ડેવિડ છગ્ગા અને ચોગ્ગાની આતશબાજી ખેલી 38 બોલમાં પાંચ છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 74 રન કર્યા હતા. ડેવિડ અને માર્કસ સ્ટોઈનિસની જોડીએ 4.3 ઓવરમાં 45 રન ઝુડી નાખ્યા હતા. સ્ટોઈનિસે પણ મહત્ત્વનો 64 રનનો (39 બોલમાં બે છગ્ગા, 8 ચોગ્ગા) ફાળો આપ્યો હતો. ભારત તરફથી અર્શદીપની ત્રણ ઉપરાંત વરૂણ ચક્રવર્તીએ બે તથા શિવમ દુબેએ એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ એકંદરે 6 વિકેટે 186 રનનો માતબર સ્કોર ખડકી દીધો હતો.
187 રનના ટાર્ગેટ પછી ભારતીય ટીમની વિકેટો તો નિયમિત અંતરે પડતી જ રહી હતી. અભિષેક શર્માના 16 બોલમાં 25 રન, સુકાની સૂર્યકુમાર યાદવના 11 બોલમાં 24 અને તિલક વર્મા 26 બોલમાં 29 છતાં ભારત માટે વિજયની મંઝિલ કપરી લાગતી હતી. એ પછી આવેલા વોશિંગ્ટન સુંદરે ફક્ત 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 49 રનની વિસ્ફોટક ઈનિંગ્સ સાથે બાજી પલટી નાખી હતી.
તેની સાથે જીતેશ શર્માએ પણ 13 બોલમાં 22 રન ફટકારી અણનમ ભાગીદારીમાં ફક્ત 4.1 ઓવરમાં 41 રન કરતાં ભારતનો 5 વિકેટે વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાનો સીન એબટ સૌથી મોંઘો સાબિત થયો હતો, તેણે 3.3 ઓવરમાં 56 રન આપ્યા હતા, તો મેથ્યુ શોર્ટની એક ઓવરમાં 13 રન બેટર્સે ઝુડ્યા હતા. બાર્ટલેટ ચાર ઓવરમાં ફક્ત 30 રન આપી એક વિકેટ, સ્ટોઈનિસ બે ઓવરમાં 22 રન આપી એક વિકેટ તેમજ નાથન એલિસ ચાર ઓવરમાં 36 રન આપી ત્રણ વિકેટ લઈ ગયો હતો.












