ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં કોરોના સંબંધિત નિયંત્રણો હળવા કરવામાં આવતા લોકો રસ્તા પર જોવા મળ્યા હતા. REUTERS/Sandra Sanders

ઓસ્ટ્રેલિયામાં રવિવારે આશરે પાંચ મહિના બાદ પ્રથમ વખત કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો ન હતો. તેનાથી સોસિયલ ડિસ્ટન્સિંગના નિયંત્રણો હળવા કરવાનો માર્ગ મોકળો થયો હતો.

કોરોના વાઇરસના હોટસ્પોટ ગણાતા વિક્ટોરિયા રાજ્યમાં સતત બીજા દિવસે એક પણ નવો કેસ નોંધાયો ન હતો. કોરોનાથી કોઇ મરણ પણ થયું ન હતું. ઓસ્ટ્રેલિયામાં આ રાજ્યમાં કુલમાંથી આશરે 90 ટકા કેસ નોંધાયા હતા. દેશના બીજા ભાગો પણ પણ કોરોનાનો નવો કેસ નોંધાયો ન હતો. તેથી ઓસ્ટ્રેલિયામાં નવ જૂન બાદ પ્રથમ દિવસ હતો કે જેમાં નવો કોઇ કેસ નોંધાયો ન હતો. ત્વરિત અને આકરા પગલાં તથા લોકો દ્વારા ચુસ્ત પાલનને કારણે ઓસ્ટ્રેલિયા કોરોના પર કાબુ મેળવી શક્યું છે. વિક્ટોરિયામાં ગયા સપ્તાહે 111 દિવસના લોકડાઉન નિયંત્રણોનો અંત આવ્યો હતો. કોરોના મહામારી બાદ ઓસ્ટ્રેલિયામાં કુલ 27,500 કેસ નોંધાયા હતા.