– અમિત રોય દ્વારા
બાફ્ટાના નવા અધ્યક્ષ ક્રિષ્નેન્દુ મજુમદારે ગરવી ગુજરાતને એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું છે કે તેઓ ફિલ્મ, ટેલિવિઝન અને ગેમિંગ ઉદ્યોગોમાં દરેક સમાજના લોકોનુ વૈવિધ્ય પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આમૂલ અને મૂળભૂત પરિવર્તન લાવી રહ્યા છે.
તેઓ બાફ્ટાની 8,000 મજબૂત મેમ્બરશીપને એશિયન જેવા હજારો “અન્ડર-રીપ્રેઝન્ટેડ જૂથો” સુધી લંબાવી રહ્યા છે, અને ફિલ્મ નિર્માણ કંપનીઓને પણ ચેતવણી આપી રહ્યા છે કે તેઓ જો નવા ડાયવર્સીટી ટાર્ગેટને સિધ્ધ ન કરતા હોય તો તેમણે સંસ્થાના ઓસ્કાર સમકક્ષ બ્રિટિશ ઝળહળતા ઇનામો માટે હક્ક જમાવવો જોઇએ નહિ.
બાફ્ટા – બ્રિટિશ એકેડેમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ દ્વારા 120 ફેરફારોની ઘોષણા કરાઇ છે અને મજુમદારે કહ્યું હતું કે “આ તો માત્ર પ્રથમ તબક્કો છે, પરિવર્તનની શરૂઆત છે. જો અમને વિવિધ પ્રકારના લોકોનો સાથ મળશે તો તે એકેડેમીને વધુ સમૃદ્ધ બનાવશે. અલબત્ત, તે કરવાનું યોગ્ય રહેશે.”
બાફ્ટાના 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત અધ્યક્ષ અને છેક 35 વર્ષ બાદ સૌથી નાના 45 વર્ષના મજમુદારે ભારપૂર્વક જણાવ્યું હતું કે “બાફ્ટામાં જથ્થાબંધ સાંસ્કૃતિક પરિવર્તન લાવવા માંગુ છું. એશિયનો, શ્યામ, મહિલાઓ અને અન્ય વંચિત જૂથોનો અભાવ સ્પષ્ટ છે. પરંતુ સમસ્યા કેટલી ખરાબ છે તે ચોક્કસપણે શોધવા માટે, બાફ્ટા ઉંડાણપૂર્વકનો સર્વે હાથ ધરી રહ્યુ છે. ભૂતકાળમાં, ફક્ત ત્રીજા ભાગના સભ્યોએ જ જવાબ આપ્યો હતો, જેમાંથી 20 ટકા લોકો અમેરિકામાં છે. પરંતુ આ વખતે જો સભ્યો પ્રશ્નોત્તરીને અવગણશે તો તેની કિંમત ચૂકવવાની રહેશે. તે ફરજિયાત બનશે – જો તમારે એવોર્ડ્સમાં મત આપવો હોય તો સર્વે ભરવો પડશે.” મજુમદારને બાફ્ટાના ટ્રસ્ટી મંડળનું સંપૂર્ણ સમર્થન છે. અમે વર્ષ મુજબ વિવિધતાના લક્ષ્યોને સ્થાપિત કર્યા છે.
ઓન સ્ક્રીન એશિયનોનું પ્રતિનિધિત્વ જણાય છે પણ કેમેરાની પાછળ અમને વિવિધ કલરના લોકો અને મેકઅપ ડિઝાઇનર્સ મળ્યા નથી. અમારી પાસે પૂરતા સાઉન્ડ ટેકનિશિયન નથી.”
મજુમદારે સભ્યોને બે પત્રો લખ્યા છે, જેના અમલ માટે તેઓ દ્રઢ છે. બાફ્ટાના 8,000 સભ્યોમાંથી 6,700 ફિલ્મ પુરસ્કારો માટે મત આપે છે. આ સંખ્યામાં હજારનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષની સભ્ય ફી £495 છે અને જોડાવાની ફી £150 છે. પણ બાફ્ટા વિચારે છે કે રોગચાળાને કારણે કામ બંઘ ગયું હોય ત્યારે ભરતી થનારા નવા લોકો કેવી રીતે મદદ કરી શકે. આ ઉદ્યોગ 2022 સુધી સામાન્ય થાય તેવી અપેક્ષા નથી.
મજમુદાર પાસે અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ છે અને તેઓ સભ્યોની ડાયવર્સિટીમાં પરિવર્તન લાવવા માગે છે જેને પછી ઉલટાવી શકાશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રોગચાળા પહેલા ફેબ્રુઆરીમાં ફિલ્મ પુરસ્કારો પછી તરત જ અમે આ બાબતે સમીક્ષા શરૂ કરી હતી. પરંતુ તે પછી દુનિયા બદલાઈ ગઈ છે. તેથી તેના પર વધુ તાકીદ કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે “અમે એવોર્ડ્સની તાત્કાલિક અને વ્યાપક સમીક્ષાની ઘોષણા કરી છે. આ સમીક્ષાના પ્રથમ તબક્કામાં છ, સાત મહિના થયાં. અમે ઘણા લોકો, વિવિધ સંગઠનો જેમ કે ડિરેક્ટર્સ યુકે; ઇક્વિટી; પીએસીટી; ટાઇમ્સ અપ યુકે અને ઇરા 5050ના સભ્યો સાથે વાત કરી છે. તેઓ બધા પરિવર્તન ઇચ્છે છે.”
વિવિધતા અંગેના નિયમોને ફરીથી દોરવાની જરૂર નથી કારણ કે બાફ્ટા બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પહેલેથી ઘડવામાં આવેલા નિયમોને અપનાવી રહ્યું છે.
આ વિવિધ ધોરણોમાં ઑન-સ્ક્રીન રજૂઆત, રચનાત્મક નેતૃત્વ, ઇન્ડસ્ટ્રીયલ એક્સેસ અને ટ્રેઇનીંગ ઓપોર્ચ્યુનીટી, વિતરણ અને એક્ઝીબીશન વ્યૂહરચનાનો સમાવેશ થાય છે.
2018માં બાફ્ટા તેના એવોર્ડ માટેની યોગ્યતામાં BFI ના વિવિધતાના માપદંડને રજૂ કરનાર પ્રથમ મુખ્ય એવોર્ડ સંસ્થા બની હતી. બીજા શબ્દોમાં કહીએ તો, ફિલ્મ પુરસ્કારોમાં બ્રિટીશ કેટેગરીમાં લાયક બનવા માટે, ચાર ધોરણોમાંથી બેમાં પાસ થવું આવશ્યક છે. પરંતુ મજુમદાર હવે પાત્રતાના આ માપદંડને વધુ કઠિન બનાવવા માટે તૈયાર છે.
એશિયાન અને શ્યામ લોકોને પૂરતા પ્રમાણમાં લાવવા માટે તાલીમાર્થીઓનો ઉપયોગ કરવો પડશે અને વિવિધ લોકોને પ્રવેશ આપવો પડશે.“ફિલ્મ, ટીવી અને ગેમ્સમાં ઘણી બધી તાલીમ યોજનાઓ છે, પરંતુ તેમાં ખૂબ ટોચ પર જવામાં અવરોધો છે. અમે આ 120 ફેરફારો થકી વિવિધતાના કેટલાક અવરોધોને દૂર કરવા પ્રયત્નશીલ છીએ.”
મજુમદારે ગરવી ગુજરાતને કહ્યું હતું કે “જ્યારે રેસ આપણા મગજમાં મોખરે હોય છે, ત્યારે આપણે આ ક્ષણનો ઉપયોગ આપણે મહિલાઓ, અપંગ લોકો, એલજીબીટીક્યુ લોકો, લેબર બેકગ્રાઉન્ડના લોકો અને લંડનની બહારના લોકોને જોવા માટે કશુંક કરવું જોઈએ. હું મારા કાર્યકાળ દરમિયાન એવોર્ડ સમીક્ષા સાથે સાર્થક પરિવર્તન લાવવા માટે કટિબદ્ધ છું. અમારી પાસે હજી પણ ઇન્ડસ્ટ્રી અને સંગઠન બંનેને આવરી લેવા માટે ઘણુ ગ્રાઉન્ડ છે, પણ હું આશા રાખું છું કે અમે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.”
– કૃષ્નેન્દુ મજુમદાર એમી અવોર્ડ વિજેતા નિર્માતા અને દિગ્દર્શક છે. તેમનો જન્મ કાર્ડિફથી 10 માઇલ દૂર ચર્ચ વિલેજમાં થયો હતો. તેઓ બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને ડ્રામામાં સ્નાતક થયા હતા. તેમને થિયેટર ડિરેક્ટર બનવુ હતું પરંતુ તે ટેલિવિઝન તરફ વળી ગયા હતા. 1962 માં, તેમના પિતા, ડૉ. રૂપેન્દ્રકુમાર મજુમદાર, કલકત્તાથી લિવરપૂલ સ્થાયી થવા આવ્યા હતા.