(Photo by Chris J Ratcliffe/Getty Images)

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વર્ચુઅલ કન્ઝર્વેટિવ કોન્ફરન્સમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘’યુકે રોગચાળા પછી સામાન્ય સ્થિતિમાં પાછુ આવી ન શકે, તેના માટે મોટા પરિવર્તનની જરૂર પડશે. હું દેશને ફરી પ્રગતિશીલ જોવા માંગુ છું. અંધકારમય ક્ષણોમાં પણ આપણે આગળનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ શકીએ છીએ અને આપણે સાથે મળીને તેને બનાવીશું.” તેમણે ભાષણમાં કોવિડને હરાવવાની અને એક વધુ સારા દેશનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઑફશોર વિન્ડ ફાર્મ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી ત્રીજા ભાગની ઉર્જા વધારવાનું વચન આપ્યું છે જેના દ્વારા 2030 સુધીમાં દરેક ઘરને વીજળી પૂરી પાડવામાં આવશે. તેમણે વિન્ડ ટર્બાઇન બનાવવા માટે બંદરો અને કારખાનાઓમાં £160 મિલિયનના રોકાણની જાહેરાત કરી ઇંગ્લેન્ડના પૂર્વ કાંઠે તેમજ સ્કોટલેન્ડ અને વેલ્સની સુવિધાઓ સુધારવાની તથા આગામી પેઢીની વિન્ડ ટર્બાઇન યુકેમાં બનશે તેવી ખાતરી આપી હતી.
કોવિડ-19 રોગચાળાએ અર્થવ્યવસ્થાને તળીયે લાવીને મૂકી દીધી છે ત્યારે બ્રિટન ટેક્સ વધારવાને બદલે નોકરીઓ બચાવવા માટેના પ્રયત્નોને પ્રાધાન્ય આપશે રેકોર્ડરૂપ ઉધારી અને £2.6 ટ્રિલિયનનુ ઋણ કાયમ માટે ટકશે નહીં તેમ ચાન્સેલર ઋષી સુનકે કોન્ઝર્વેટીવ પાર્ટી કોન્ફરન્સમાં તા. 6ને મંગળવારે જણાવ્યું હતું.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વાયરસ સામે યુકેની લડતની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘’આ રોગ પર “સામૂહિક પ્રયત્નો” દ્વારા કાબુ મેળવવામાં આવશે. રોગચાળો આપણને પાછળ રાખી શકશે નહીં. આપણો કટોકટીમાંથી ઉભરેલો દેશ પહેલા કરતા ઘણો અલગ હશે. સામાન્ય સ્થિતિમાં પાછા જવું પૂરતું નથી. આપણે ઘણું ગુમાવ્યું છે. આપણે ઘણા લોકોનો શોક વ્યક્ત કર્યો છે.’’
યુવાનો માટે ઘરની માલિકીના સ્વપ્ન અંગે તેમણે વચન આપતા જણાવ્યું હતું કે ‘’હાઉસિંગ લેડર પર જવા માટે 20થી 30 વર્ષના યુવાનોને ફક્ત 5% ડીપોઝીટ ધરાવતા લોકોને ફિક્સ-રેટ મોર્ગેજ ઓફર કરીવામાં આવશે.’’
જ્હોન્સને રોગચાળા દરમિયાન તેમના નેતૃત્વની ટીકા કરનાર લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ટટugx રોગ સાથેની લડાઇથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી તેવું સૂચન કરવું ખોટું છે. કોવિડે મારો ‘મોજો’ છીનવી લીધો તે બકવાસ વિશે ઘણું વાંચ્યું છે.’’
તેમણે કટોકટી દરમિયાન લેબરના પ્રતિસાદ પર હુમલો કરી તેના નેતા સર કેયર સ્ટાર્મરને “કેપ્ટન હાઇન્ડસાઇટ”નું લેબલ આપ્યું હતુ.

વિન્ડ ફાર્મ દ્વારા 40 ગીગાવોટ વિજળી ઉત્પાદનનું લક્ષ્ય

કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં આપેલા ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે “તમારી કેટલ, વોશિંગ મશીન, કૂકર, હીટિંગ સીસ્ટમ, પ્લગ-ઇન ઇલેક્ટ્રિક વ્હીકલ બધું જ આપણા ટાપુની આજુબાજુ ફૂંકાયેલી પવનની લહેરથી કોઇ જ દોષ વિના ચાલશે. આપણે લોકોને નવી ટેક્નોલોજી અને નવી બાબતો ધરાવતી નવી રોજગારીની તાલીમ માટે તક આપવાની જરૂર છે. ગ્રીન ઇકોનોમી ક્ષેત્રે આપણે બહુ ઝડપે પ્રગતિ કરી રહ્યા છીએ, જે આગામી દસ વર્ષમાં લાખોની સંખ્યામાં રોજગારી આપશે. હું આજે જાહેર કરી શકું છું કે યુકે સરકારે ઓછા ખર્ચે સ્વચ્છ વીજ ઉત્પાદન માટે વિશ્વ નેતા બનવાનું નક્કી કર્યું છે. જે કોલસા અને ગેસ કરતા સસ્તું હશે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં વિન્ડ ફાર્મ દ્વારા 30 ગીગાવોટથી વધીને 40 ગીગાવોટ વિજળી ઉત્પાદનનું છે જે ઓફિશોર વિન્ડ પાવર ક્ષમતા હાલમાં હાલમાં 10 ગિગાવોટ છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે £50 બિલિયનના મૂડી રોકાણની જરૂર પડશે અને દર અઠવાડિયે એક ટર્બાઇન પૂર્ણ થવી જોઈએ.’’
વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘’નવી ટેકનોલોજી ધરાવતા તરતા વિન્ડ ફાર્મ અને ઓફશોર વિન્ડ ફાર્મ ઉભરતા ઉદ્યોગ થશે અને તે રોજગારીનું સર્જન કરી ઓછા ખર્ચે ઉર્જા આપશે તેમજ બ્રિટનને તેના ક્લાઇમેટના લક્ષ્યોને પહોંચી વળવામાં સક્ષમ બનાવશે. વિન્ડફર્મ્સને ઇન્ટરકનેક્ટર્સથી જોડવા માટે એક નવી ઑફશોર ગ્રીડ માટેની યોજના પણ છે. અમે સમુદ્ર પર તરતી પવનચક્કીઓ બનાવીને 2030 સુધીમાં 1 ગીગાવોટ વિજળી બનાવીશુ જે બાકીના વિશ્વ કરતા 15 ગણી વધારે હશે. જેમ સાઉદી અરેબિયા પાસે તેલ પુશ્કળ છે તેમ યુકે પાસે પવન વધારે છે. પરંતુ પવન કાર્બન ઉત્સર્જન વિના અને પર્યાવરણને નુકસાન કર્યા વિના વીજળી ઉત્પન્ન કરે છે.‘’
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે સરકારની સહાયથી બાંધકામ ક્ષેત્રે આશરે 2,000 નોકરીઓ અને આ ક્ષેત્રના બંદરો, ફેક્ટરીઓ અને સપ્લાય ચેઇનમાં 2030 સુધીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 60,000 જેટલી નોકરીઓને ટેકો આપશે.
નોકરીઓ પહેલી પ્રાથમિકતા, ટેક્સ વધરાવાની નહિ: ઋષી સુનક
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બ્રિટનની છેલ્લી ત્રણ સદીઓમાં આવેલી સૌથી ખરાબ આર્થિક કટોકટી સામે ઝૂમી રહ્યા છે અને સુનકે વારંવાર ચેતવણી આપી છે કે બોન્ડ માર્કેટમાંથી આટલુ મોટુ ઋણ લેવાથી લાંબા ગાળે ફાઇનાન્સિંગની તકલીફ સર્જાઈ શકે છે.
પરંતુ એરલાઇન્સથી લઈને પબ સુધીની કંપનીઓ સેંકડો હજારો લોકોને છૂટા કરી રહ્યા છે અને તે સરકારી ખર્ચમાં વધારો કરે છે. બીજી તરફ સુનક રાજ્યની આવક વધારવાના માર્ગો પર ધ્યાન આપી રહ્યા છે.
સુનકે સ્કાય ન્યૂઝને સંભવિત કર વધારા અંગે જણાવ્યું હતું કે “અત્યારે લોકોની નોકરીઓ અગ્રતા પર છે. મારું અતિશય ધ્યાન શક્ય તેટલી નોકરીઓને બચાવવા અને ટેકો આપવા પર છે. જો કે નોકરીઓ ટૂંકા ગાળા માટેની ચિંતા છે. પરંતુ બ્રિટને દેવાના પર્વતનો સામનો કરવો પડશે. દેખીતી રીતે દેવુ લેવાનું કાયમ માટે ચાલુ રાખી શકશે નહીં. ઉધાર લેવાનું આ સ્તર, રેકોર્ડ સ્તરે હશે અને તે લાંબા ગાળે ટકાઉ નથી. એકવાર આપણે આમાંથી પસાર થઈ જઈએ પછી મને લાગે છે કે અમારી પાસે પબ્લિક ફાયનાન્સનો મજબૂત સમૂહ છે.”
બેકારીમાં વધારો રોકવા અપાતી સબસિડીથી આ વર્ષે આશરે £200 બિલીયનનો ખર્ચ થશે અને તેથી જાહેર દેવુ £2 ટ્રિલિયન અથવા કુલ જીડીપીના 100% ઉપર જશે. આવા સંજોગોમાં વ્યાજ દર ઉંચા થઇ શકે છે.
સુનાકે મંગળવારે એમ પણ કહ્યું હતું કે રાજ્યના પેન્શનમાં વધારો કરવા માટે સરકાર તેના કહેવાતા “ટ્રિપલ લૉક”ની નીતિને વળગી રહેશે જે કોરોનાવાયરસ સંકટને કારણે ગણતરીની વિકૃતિના કારણે આવતા વર્ષે ઉછાળી શકે છે.