ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂુરી આપી છે અને બન્ને ન્યાયમૂર્તિઓની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરી છે. બન્ને ન્યાયમૂર્તિ ચાર્જ સંભાળે ત્યારથી સુપ્રીમમાં તેમનો કાર્યકાળ ગણવામાં આવશે. જસ્ટિસ બેલાબહેન સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ પામનારા પ્રથમ મહિલા જજ બન્યાં છે.

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ગત અઠવાડિયે વિવિધ હાઇકોર્ટના આઠ ન્યાયમૂર્તિ અન એક સીનિયર એડવોકેટને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ આપવા ભલામણ કરી છે. આ નવ નામો પૈકી ગુજરાતના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનું નામ પણ હતું. કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયે આ નામોને ક્લીઅરન્સ આપી રાષ્ટ્રપતિને નામ માક્લ્યા હતા. રાષ્ટ્રપતિએ ગયા સપ્તાહે બન્ને ન્યાયમૂર્તિઓની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિ કરી છે.

જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અમદાવાદના એક પરિવારમાંથી આવે છે તેમનો જન્મ ૧૦-૬-૧૯૬૦ના રોજ થયો હતો અને તેમના પિતા પણ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ હતા. જસ્ટિસ બેલાબહેને કાયદાના અભ્યાસ બાદ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂૈૈ કરી હતી અને તેમને ૧૯૯૫માં અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્તિ મળી હતી. ત્યારબાદ ૨૦૦૩માં તેમને લૉ સેક્રેટરી તરીકેનો કાર્યભાર આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટના થતા આ કેસમાં તેમને સ્પેશિયલ જજ તરીકે ફરી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં નિયુક્તિ મળી હતી. ફેબ્રુઆરી-૨૦૧૧થી ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત છે. જૂન-૨૦૧૧માં રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેન્ચમાં તેમની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦૧૬માં તેમણે ફરી ગુજરાત હાઇકોર્ટમાં કાર્યભાર સંભાળ્યો હતો. ગત દિવસોમાં કોરોનાની બીજી લહેર દરમિયાન હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં જસ્ટિસ બેલાબહેનની ખંડપીઠે રેમડેસિવિર સહિતના મુદ્દાઓ પર તંત્રની આકરી ઝાટકણી કાઢી યોગ્ય વ્યવસ્થા માટે ઘણાં આદેશો કર્યા હતા.