ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને સમર્થન આપવા નવી દિલ્હીમાં દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. (PTI Photo/Arun Sharma)

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરૂધ્ધ ખેડુતોએ આપેલા ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે. આ આંદોલને હવે દેશવ્યાપી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત સંગઠનો સામેલ છે. ઘણા રાજકીય પક્ષોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ, આરજેડી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી) અને સપાએ પણ ભારત બંધને ટેકો આપ્યો છે. ડાબેરી પક્ષોમાં, સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈ (એમએલ), આરએસપી અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે પણ બંધને ટેકો આપ્યો છે.

કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, કોંગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. અમે અમારી પાર્ટીના કાર્યાલયોમાં પણ પ્રદર્શન કરીશું. ખેડુતોને મજબુત સમર્થન આપવા માટેનું રાહુલ ગાંધીનું પગલું હશે, અમે ખાતરી કરીશું કે તે વિરોધ પ્રદર્શન સફળ થાય.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિનાં બેનર હેઠળ આપવામાં આવેલા આ ભારત બંધમાં, દેશભરનાં 400થી વધુ ખેડૂત સંગઠનો સામેલ છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ તેને સમર્થન આપ્યું છે.