ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રે પટેલ સોમવાર, 20 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. (PTI Photo)(TWITTER IMAGE PROVIDED BY @PMOIndia)

ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રે પટેલ સોમવારે નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાઇડુ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સૌજન્ય મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની દેશના વડાપ્રધાન સાથેની આ પ્રથમ બેઠક હતી. તેઓ સવારે 10 વાગ્યે દિલ્હીના ગરવી ગુજરાત ભવન ખાતે પહોંચ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીને સીમંધર સ્વામીની મૂર્તિ ભેટમાં આપી હતી. ભૂપેન્દ્ર પટેલ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને રાષ્ટ્રપતિને દાદા ભગવાનની બુક ભેટમાં આપી હતી. રાષ્ટ્રપતિ સાથેની આ સૌજન્ય મુલાકાત 20 મિનિટ ચાલી હતી.

રાષ્ટ્રપતિભવને ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. તેઓ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને પશુપાલન તથા ડેરી અને મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલા સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી.