ચેન્નાઇસ્થિત આઇટીસી મૌર્ય હોટેલને મહિલાના વાળ કાપવામાં બેદરકારી દાખવવાનું ખૂબ જ મોંઘુ પડ્યું છે. નેશનલ કંઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશને ખરાબ રીતે વાળ કાપવા બદલ મહિલાને થયેલી માનસિક પરેશાની માટે રૂ. બે કરોડનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
42 વર્ષીય મહિલા 18, એપ્રિલ 2018ના રોજ એક મહત્ત્વના ઇન્ટરવ્યૂ અગાઉ હોટેલના સલૂનમાં વાળ કપાવવા માટે ગઇ હતી. આ મહિલાની સૂચના છતાં હેરડ્રેસરે તેના લાંબા વાળ ઘણા કાપી નાખ્યા હતા.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ચશ્મા પહેરે છે અને વાળ કપાવવા માટે તેણે તે ઉતારવા પડ્યા હતા. અને હેરડ્રેસરે તેને માથુ નીચે રાખવા માટે પણ જણાવ્યું હતું, જેના કારણે તે દર્પણમાં પોતાને જોઇ શકતી નહોતી, પછી તેણે જોયું તો તેના વાળ ઘણા નાના કરી નાખ્યા હતા.
સલૂને મહિલાની માફી માગીને વાળ કાપવાનો કોઇ ચાર્જ લીધો નહોતો અને બેદરકારી દાખવનાર હેરડ્રેસર સામે કોઇ પગલાં પણ લીધા નહોતા.
મહિલાએ ફરિયાદમાં એ પણ આરોપ મુક્યો કે સલૂનના જનરલ મેનેજરે આ બાબતે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેના કારણે તેમણે આઇટીસી હોટેલ્સના સીઈઓ દીપક હાસકરને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે હોટેલ તરફથી મફત હેર એક્સટેન્શન અને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પરંતુ સલૂનના કર્મચારીના બેદરકારીને કારણે તેને ફરીથી મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, મહિલાની સૂચના છતાં તેના ખોટી રીતે વાળ કાપવામાં આવ્યા, જેનાથી તેમને કેટલાક કામ મળ્યા નહોતા અને ઉચ્ચકક્ષાની એક મોડેલ બનવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. જેનાથી તેમની જીવનશૈલી સંપૂર્ણ બદલાઇ ગઇ છે અને તેમને મોટું નુકસાન થયું છે. માનસિક પરેશાની અને નુકસાનને ધ્યાનમાં રાખીને કોર્ટે મહિલાને રૂ. બે કરોડનું વળતર ચૂકવવા આઇટીસી મોર્યને આદેશ કર્યો છે.