પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસે રવિવારે ઉત્તર ગુજરાતની કડી અને સૌરાષ્ટ્રની વિસાવદરની વિધાનસભાની 19 જૂને યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે કડીથી રાજેન્દ્ર ચાવડાને અને જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે કડીથી ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ હજુ સુધી વિસાવદર માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.

કડીથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મહેસાણા તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય છે અને પ્રથમ વાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ કોંગ્રેસના રમેશ ચાવડા સામે ચૂંટણી લડશે, જેમણે અગાઉ ૨૦૧૨ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા બાદ ગુજરાત વિધાનસભામાં કડીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કડી એક અનુસૂચિત જાતિ-અનામત મતવિસ્તાર છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીના અવસાનથી કડીમાં પેટાચૂંટણી જરૂરી બની હતી.
વિસાવદરમાં, આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ ડિસેમ્બર 2023માં વિધાનસભામાંથી રાજીનામું આપ્યા પછી અને ત્યારબાદ ભાજપમાં જોડાયા પછી આ જગ્યા ખાલી પડી હતી.

AAPએ બંને બેઠકો માટે પહેલાથી જ તેના ઉમેદવારો જાહેર કરી દીધા હતાં. કડીથી જગદીશ ચાવડા અને વિસાવદરથી ગોપાલ ઇટાલિયા તેના ઉમેદવારો છે. ગુજરાત AAP ના ભૂતપૂર્વ પ્રમુખ ઇટાલિયા રાજ્યના રાજકારણમાં એક જાણીતો ચહેરો છે અને તેઓ સૌરાષ્ટ્ર બેઠક પર મજબૂત ઉમેદવાર છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ સોમવાર, 2 જૂન છે. મતદાન 19 જૂને થશે અને ગણતરી 22 જૂને થશે.

LEAVE A REPLY