Prime Minister Boris Johnson (Photo by Toby Melville-WPA Pool/Getty Images)

કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિઅન્ટ સામે બાથ ભીડવા અને બે વર્ષ બાદ બ્રિટીશ નાગરીકો પોતાના પરિવાર સાથે કોઇ ભય વગર ક્રિસમસની શાનદાર ઉજવણી કરી શકે તે માટે વડા પ્રધાન બોરિસ જૉન્સને એક જ દિવસમાં 5 લાખ લોકોને રસી આપવા હાકલ કરી મદદ માટે સૈન્યને બોલાવવાની જાહેરાત કરી છે. તેમણે NHS વોલંટિયર્સને બૂસ્ટર વેક્સીન ડ્રાઇવમાં પાછા ફરવા હાકલ કરી GPને રસીના દરેક ઈન્જેક્શન માટે વધારાના £2.50 આપવાની ઓફર કરી છે.

તેમણે સમગ્ર યુકેમાં રસીકરણના ‘બીજા મોટા ઉછાળા’ માટે દબાણ કરી બૂસ્ટર ડ્રાઇવને અઠવાડિયામાં 2.5 મિલિયનથી 3.5 મિલિયન જેબ્સ સુધી વધારવા આહ્વાન કર્યું છે જેથી ઓમિક્રોન વેરિઅન્ટને પાછળ છોડી શકાય. સરકારે  માટે બે રસીઓ વચ્ચેનું અંતર ત્રણ મહિના સુધી ઘટાડ્યું છે.

કેટલાક નિષ્ણાતો ઓમિક્રોન વેરિઅન્ટ – B.1.1.529 થી ડરે છે અને માને છે કે અત્યાર સુધીનો સૌથી વધુ ચેપી વેરિઅન્ટ છે જે રસીની સુરક્ષાને પણ બાયપાસ કરી શકે છે. જો કે આ સામે JCVI એ જાહેરાત કરી છે કે યુકેમાં રહેતા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ માટે ત્રીજી કોવિડ જૅબ માટે આમંત્રિત કરવામાં આવશે. સરકારી રસીકરણ મૂવના કારણે હજારો લોકોએ જૅબ્સ બુક કરવા માટે ધસારો કરતાં 40 થી વધુ વયના લોકો હજુ પણ તેમના ડોઝ મેળવવા માટે અવરોધોનો સામનો કરી રહ્યા છે. ડઝનેક લોકોએ એક મહિનાથી વધુ રાહ જોવાની જાણ કરાઇ હોવાની, ફોન પર અટવાયા હોવાની અને દસેક માઇલ દૂરની વેક્સીનેશન સાઇટ્સ પર મોકલાયા હોવાની ફરિયાદ કરી હતી.

દરમિયાન, નંબર ટેન પ્રવક્તાએ આજે ​​સંકેત આપ્યો હતો કે બ્રિટનવાસીઓને ‘સંપૂર્ણ રસીકરણ’ માટે બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. જો વેક્સીન પાસપોર્ટ રજૂ કરવામાં આવશે તો તો તમામ પુખ્ત વયના લોકોને પબ અને રેસ્ટોરન્ટમાં જવા માટે ત્રીજા ડોઝની જરૂર પડી શકે છે.

આજ પહેલાં, 25.3 મિલિયનમાંથી 17.9 મિલિયન લોકોએ બૂસ્ટર રસી મેળવી હતી અને નવી સલાહ મુજબ બીજા 20 મિલિયન બ્રિટિશર્સ ક્રિસમસ સુધીમાં લાયક થશે. હાલ દરરોજ 342,000 જૅબ્સના વર્તમાન દરે, સરેરાશ, પ્રોગ્રામને પૂરો થતાં ત્રણ મહિના લાગશે. પણ વડા પ્રધાન તે હવે બે મહિનામાં કરવા માંગે છે. 30 તારીખે  બપોરે નોર્થ લંડનના ટોટનહામના લોર્ડશિપ લેન પ્રાઈમરી કેર સેન્ટરના રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા વડા પ્રધાને કહ્યું હતું કે ‘હું જાણું છું કે આ વર્ષની શરૂઆત જેવો બીજો મોટો ઉછાળો આવી શકે છે. પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ સામે કરેલી પ્રગતિ જેવી જ સફળતા હવે ઓમિક્રોન વેરિઅન્ટ સામે લેવાની છે. આપણે હાલમાં શું જાણીએ છીએ કે બૂસ્ટર તમને સુરક્ષા આપી શકે છે. નિર્ણયાત્મક બાબત એ છે કે દરેક વ્યક્તિ આવે અને બૂસ્ટર રસી મેળવે’’.

હેલ્થ સર્વિસ જર્નલે અહેવાલ આપ્યો છે કે ડિસેમ્બર 1 થી, ડોકટરોને સોમવારથી શનિવાર સુધી આપવામાં આવેલ દરેક જેબ માટે £12.58 થી વધીને £15 પ્રાપ્ત થશે. જાન્યુઆરીના અંત સુધી રવિવાર અને બેંક હોલીડે રસીકરણ માટે આ રકમ £20 સુધી પહોંચી જશે. કેર હોમ્સ અને હાઉસમાં જૅબ્સ માટેનો પગાર પણ વધશે.

એનએચએસના એક ચીફ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે ‘’તબીબો, સ્વયંસેવકો અને સુવિધાઓના અભાવને કારણે 3.5 મિલિયનના દર સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હશે.’’

સૈનિકો હાલમાં સ્કોટલેન્ડમાં રસી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે. તેમણે રસીના વિતરણનું સંકલન પણ કર્યું હતું અને રસીકરણ કેન્દ્રો પણ સ્થાપ્યા હતા. છેલ્લા 12 મહિનામાં મદદ કરનારા હજારો સ્વયંસેવકો અને નિવૃત્ત ડોકટરો અને નર્સોની પણ આ શિયાળામાં ફરી જરૂર પડશે.’’

  • NHS ટેસ્ટ અને ટ્રેસના વડાએ આજે ​​બ્રિટનના લોકોને ચેતવણી આપી હતી કે ક્રિસમસ પહેલાં ‘જો તમને જરૂર ન હોય ત્યાં સુધી’ સામાજિક રીતે હળો-મળો નહિં.
  • સ્કોટલેન્ડમાં વધુ ત્રણ લોકોમાં મ્યુટન્ટ ઓમિક્રોન સ્ટ્રેઈન મળી આવતા યુકેની તેમની કુલ સંખ્યા 14 થઈ ગઈ છે.
  • નિકોલા સ્ટર્જને સ્કોટલેન્ડમાં પ્રતિબંધો હળવા કરવા પર બ્રેક મારી હતી.
  • લંડનમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પર કાર્યવાહી આજે શરૂ થઈ હતી. ટ્યુબના અધિકારીઓએ માસ્ક નહિં પહેરનાર મુસાફરોને £200 દંડ કરવાની ધમકી આપી હતી.
  • સ્વિટ્ઝર્લેન્ડે ઓમિક્રોન વેરિઅન્ટના ભયને કારણે કોવિડ પ્રવેશ નિયમોને અચાનક કડક બનાવ્યા પછી હજારો બ્રિટીશરોની શિયાળાની રજાઓની યોજનાઓ અરાજકતામાં ફેલાઈ ગઈ હતી.
  • ડેટા દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકન પ્રાંત જ્યાં ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટ પ્રથમવાર મળી આવ્યો હતો ત્યાં આ અઠવાડિયે વાઇરસ સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવાના કેસોમાં 300 ટકાથી વધુનો વધારો થયો છે.
  • રસી બનાવનાર મોડર્નાએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન-વિશિષ્ટ બૂસ્ટર વિકસાવવામાં મહિનાઓ લાગશે.
  • રિટેલ બોસે ચેતવણી આપી હતી કે તેમની પાસેથી દુકાનોમાં નવા ફેસમાસ્ક નિયમો લાગુ કરવાની અપેક્ષા રાખી શકાય નહીં.
  • વેલ્સની યુનિવર્સિટીઓ, કોલેજો અને સેકન્ડરી શાળાઓને કહેવામાં આવ્યું છે કે તેઓએ હવે મકાનની અંદર માસ્ક પહેરવાનું લાગુ કરવું જોઈએ.