Picture Courtesy: Facebook

બ્રાઇટનની રોયલ સસેક્સ કાઉન્ટી હોસ્પિટલમાં કેટરર તરીકે સેવા આપતા 56 વર્ષના જોસેફ જ્યોર્જ પર તા. 19ના રોજ સવારે 8.40 વાગ્યે હોસ્પિટલના 11મા માળે આવેલા સ્ત્રીરોગ વિભાગના વોર્ડમાં 30 વર્ષના હુમલાખોરે ચાકુ મારી ઈજા કરી હતી. જેને પગલે હોસ્પિટલમાં આતંકી હુમલાના ભયે ફફડાટ ફેલાઇ ગયો હતો.

30 જેટલા સશસ્ત્ર પોલીસે હોસ્પિટલ અને આજુબાજુના વિસ્તારને ઘેરી લઇ હોસ્પિટલ નજીક આવેલા વિલ્સન એવન્યુ પાસેથી શકમંદ હુમલાખોરની એક કલાક પછી ધરપકડ કરી હતી. પોલીસે હોસ્પિટલને લોકડાઉનમાં મૂકી દીધી હતી. ઇજાગ્રસ્ત જોસેફ જ્યોર્જની ઇજાઓ જીવલેણ નથી અને રોયલ સસેક્સમાં તેની સારવાર ચાલી રહી છે.

બે બાળકોના પિતા જ્યોર્જ હોસ્પિટલની કેટરિંગ  ટીમના સભ્ય છે. હુમલાખોરે જ્યોર્જને તેના સ્ટાફ પાસની મદદથી દવાઓ ધરાવતું કેબિનેટ ખોલવા જણાવ્યું હતું. પરંતુ જ્યોર્જે કેબિનેટ ખોલવા માટે તેનો પાસ પાસ અધિકૃત નથી એમ જણાવતા શંકાસ્પદ હુમલાખોરે ભાગતાં પહેલાં છરાના ત્રણ વાર કરી ઇજાઓ કરી હતી. જ્યોર્જની પત્ની બીના તે જ હોસ્પિટલમાં નીઓનેટલ નર્સ તકરીકે કામ કરે છે.