ભારત સાથે સંબંધોમાં સુધારાના સંકેત વચ્ચે કેનેડાએ સોમવાર, 29 સપ્ટેમ્બરે લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું. ભારત અને વિદેશમાં હત્યા, ખંડણી, હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી આ ગેંગને કેનેડાના જાહેર સલામતી પ્રધાન ગેરી આનંદસાંગરીએ કેનેડાના ક્રિમિનલ કોડ હેઠળ ‘આતંકવાદી એન્ટિટી’ જાહેર કરી હતી.
આનો અર્થ એવો થાય છે કે કેનેડામાં બિશ્નોઈ ગેંગની રોકડથી લઈને વાહનો અને મિલકત સુધી સહિતની કોઇપણ સંપત્તિને જપ્ત કરી શકાશે. આનાથી કેનેડિયન કાયદા અમલીકરણ એજન્સીઓને આતંકવાદી પ્રવૃત્તિઓના ભંડોળ સહિત વિવિધ ગુનાઓ માટે ગેંગના સભ્યો પર કાર્યવાહી કરવા વધુ સત્તા મળશે. ઇમિગ્રેશન અધિકારીઓ ગેંગના શંકાસ્પદ સભ્યોને કેનેડામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે.
સરકારે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે “કેનેડામાં હિંસા અને આતંકવાદના કૃત્યોને કોઈ સ્થાન નથી, ખાસ કરીને એવા કૃત્યો જે ભય અને ધાકધમકીનું વાતાવરણ બનાવવા માટે ચોક્કસ સમુદાયોને નિશાન બનાવે છે.”
બિશ્નોઈ ગેંગના સમાવેશ સાથે હવે કેનેડામાં 88 આતંકવાદી સંગઠનો સૂચિબદ્ધ છે. લોરેન્સ બિશ્નોઈની આગેવાની હેઠળની ગેંગ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન છે. તેમની હાજરી કેનેડામાં છે અને નોંધપાત્ર ઇમિગ્રન્ટ સમુદાયો ધરાવતા વિસ્તારોમાં સક્રિય છે. કેનેડિયન પોલીસે કેટલાક ખંડણીના કેસોને આ ગેંગ સાથે જોડ્યા છે, જેનો નેતા ભારતની જેલમાં છે.
