ભારત સરકારે દેશમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાનો સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ ઈનકાર કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે પછાત વર્ગોની જાતિ આધારિત વસતી ગણતરી વહીવટી દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ કામ છે અને વસતી ગણતરીના દાયરાથી આ પ્રકારની માહિતીને દૂર કરવી એ ‘સાવધ નીતિવિષયક નિર્ણય’ છે. બિહારમાં દસ પક્ષોના પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને જાતિ આધારિત વસતી ગણતરી કરવાની માગ કરી હોવાથી સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો આગ્રહભર્યો ઈનકાર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. સરકારના આ નિર્ણયથી બિહારમાં રાજકારણ ગરમાયું છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામા મુજબ સરકારે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૧માં થયેલી સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીમાં અનેક ભૂલો અને અશુદ્ધિઓ છે. મહારાષ્ટ્રની એક અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સોગંદનામુ દાખલ કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે અરજી દાખલ કરીને કેન્દ્ર અને અન્ય સંબંધિત ઓથોરિટીને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સંબંધિત એસઈસીસી ૨૦૧૧ના આંકડાઓને જાહેર કરવાની માગણી કરી હતી અને કહ્યું કે વારંવારના આગ્રહ છતાં તેમને આ માહિતી અપાતી નથી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સચિવ દ્વારા દાખલ સોગંદનામામાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે જાન્યુઆરીમાં એક નોટિફિકેશન જાહેર કરીને વસ્તી ગણતરી 2021 માટે એકત્ર કરાનારી માહિતીની વિગતો નક્કી કરી હતી, જેમાં અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સંબંધિત માહિતી સહિત અનેક ક્ષેત્રોનો સમાવેશ કરાયો હતો, પરંતુ તેમાં જાતિ અંગેની અન્ય કોઈ શ્રેણીનો ઉલ્લેખ કરાયો નહોતો.
આ કેસ ગુરુવારે ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ સુનાવણીમાં આવ્યો હતો, જેના પર આગામી સુનાવણી ૨૬મી ઑક્ટોબરે થશે.