બે બ્રિટિશ કેમિસ્ટ, ભારતીય મૂળના પ્રોફેસર સર શંકર બાલાસુબ્રમણિયન અને પ્રોફેસર સર ડેવિડ ક્લેનરમેન એક સુપર-ફાસ્ટ ડીએનએ સિક્વન્સિંગ ટેકનીક વિકસાવ્યા બાદ મંગળવારે તા. 18ના રોજ ફિનલેન્ડનો નોબેલ ગણાતો વિજ્ઞાનનો 2020નો મિલેનિયમ ટેકનોલોજી પ્રાઇઝ એવોર્ડ જીત્યા હતા. આ ટેકનીકે ક્રાંતિકારી આરોગ્યસંભાળ પ્રગતિ માટેનો માર્ગ મોકળો કર્યો હતો.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રો. શંકર બાલાસુબ્રમણિયન અને ડેવિડ ક્લેનરમેને 27 વર્ષથી વધુ સમય માટે કરેલા કામ માટે $1.22 મિલિયનનું મિલેનિયમ ટેકનોલોજી પ્રાઇઝ મેળવ્યું છે, જેણે માનવ જીનોમનો અનુક્રમ બનાવવા માટે ઝડપી અને સસ્તી રીત બનાવી છે. આ જોડીની નેક્સ્ટ-જનરેશન ડીએનએ સિક્વન્સિંગ ટેકનોલોજી (એનજીએસ) કોવિડ-19 કે કેન્સર જેવા ખૂની રોગો સામે લડત કરવામાં મદદ કરશે.

1966માં ભારતના ચેન્નાઇમાં જન્મેલા બાલાસુબ્રમણિયન 1967માં તેમના માતાપિતા સાથે યુકે ગયા હતા. તેઓ ચેશાયરમાં રનકોર્ન નજીકના ગ્રામીણ વિસ્તારમાં મોટા થયા હતા. તેમણે ડેર્સબરી પ્રાયમરી સ્કૂલ અને એપલટન હોલ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ કેમ્બ્રિજની ફિટ્ઝવિલિયમ કૉલેજમાં નેચરલ સાયન્સ ટ્રિપોસનો અભ્યાસ કર્યો હતો. તેમણે ક્રિસ એબેલના નિરીક્ષણ હેઠળ પીએચડી કર્યું હતું. તે પછી તેઓ એસઇઆરસી / નાટો રિસર્ચ ફેલો તરીકે યુએસ ગયા હતા. તેમણે 1994માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્વતંત્ર શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી અને હજૂ ત્યાં જ છે.

ક્લેનરમેને એક નિવેદનમાં કહ્યું હતું કે “આ પહેલી વાર છે કે અમને આંતરરાષ્ટ્રીય ઇનામ મળ્યું છે જેણે ટેકોનોલોજીના વિકાસમાં યોગદાન આપ્યું છે. રોગચાળાને કારણે મિલેનિયમ ટેકનોલોજી પ્રાઇઝ મુલતવી રાખવામાં આવ્યો હતો.