ઇન્ડિયન પ્રીમિયમ લીગની સોમવારે, 19 ઓક્ટોબર 2020ની મેચ બાદ ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન એમ એસ ધોની અને રાજસ્થાન રોયલ્સના ખેલાડી જોસ બટલરની આ તસવીર છે. મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. (PTI Photo/Sportzpics for BCCI)

ગત વર્ષના આઈપીએલ ફાઈનાલિસ્ટ, કેપ્ટન કૂલ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સોમવારે પોતાની 10 મેચમાં પણ પરાજય પછી હવે પ્લેઓફ્સની તકો લગભગ ગુમાવી ચૂકી છે, પોઈન્ટ્સ ટેબલમાં તે તળિયે પહોંચી ગઈ છે. તેની સામે વિજય પછી રાજસ્થાન રોયલ્સ પાંચમા ક્રમે પહોંચી જતાં તેની પ્લેઓફ્સ માટેની તકો હજી જીવંત રહી છે.

ટોસ જીતીને બેટિંગ કરવા મેદાને આવેલી ચેન્નાઈની ટીમ પાંચ વિકેટે ફક્ત 125 રન કરી શકી હતી, જે તેનો આ સિઝનનો સૌથી ઓછો સ્કોર છે. જવાબમાં રાજસ્થાન રોયલ્સ 2.3 ઓવર્સ બાકી હતી ત્યારે જ ત્રણ વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસલ કરી લઈ વિજય મેળવ્યો હતો. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 35નો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો, તો જવાબમાં રાજસ્થાનની પણ શરૂઆત તો તદ્દન નબળી રહી હતી, તેણે 28 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

એ પછી બાદ જોસ બટલર અને સ્ટીવ સ્મિથે બાજી સંભાળી હતી. બંન્નેએ 98 રનની વિજયી ભાગીદારી નોંધાવી હતી. જોસ બટલર 48 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન અને સ્ટીવ સ્મિથ 34 બોલમાં 26 રન કરી અણનમ રહ્યા હતા.
ચેન્નાઈનો સુકાની ધોની આઈપીએલમાં 200 મેચ રમનારો પહેલો ખેલાડી બની રહ્યો હતો, જો કે આ સિવાય આ મેચ તેના માટે નામોશીભરી રહી હતી.