REUTERS/Tingshu Wang

ચીને 19માં એશિયન ગેમ્સ માટે ભારતના અરુણાચલપ્રદેશના એથ્લેટ્સને વિઝા અને માન્યતા આપવાનો ઇનકાર કર્યા પછી ભારત શુક્રવારે સખત વિરોધ નોંધાવ્યો હતો અને વળતા પગલાં લેવાની ચીમકી આપી હતી.
ભારતે જણાવ્યું હતું કે ચીન “ખેલાડીઓ સામે ઇરાદાપૂર્વક અને પસંદગીયુક્ત અવરોધ ઊભા કરે છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પણ તેમની ચીનની મુલાકાત રદ કરી દીધી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું ભારત સરકારને જાણવા મળ્યું છે કે ચીની સત્તાવાળાઓએ, લક્ષિત અને ઇરાદાપૂર્વક અરુણાચલપ્રદેશના કેટલાક ભારતીય ખેલાડીઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેમને ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં માન્યતા અને પ્રવેશનો ઇનકાર કર્યો છે. ભારત ડોમિસાઇલ અથવા વંશીયતાના આધારે ભારતીય નાગરિકો સાથેના ભેદભાવપૂર્ણ વ્યવહારને નિશ્ચિતપણે નકારે છે. અરુણાચલપ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે. આ પગલાં એશિયન ગેમ્સની ભાવના અને તેમના આચરણને નિયંત્રિત કરતા નિયમો બંનેનું ઉલ્લંઘન કરે છે.

ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે – જેને તે દક્ષિણ તિબેટ કહે છે. ગયા મહિને, ચીની સરકારે એક નવો “સ્ટાન્ડર્ડ” નકશો જારી કર્યો જેમાં ઉત્તર-પૂર્વીય રાજ્ય અને પૂર્વ લદ્દાખમાં અક્સાઈ ચીન પ્રદેશ તેની સીમાઓમાં સામેલ કર્યા હતા. આ નકશા સામે એશિયાના બીજા કેટલાંક દેશોએ પણ વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY