પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અરેબિયન સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના નૌકાદળની તાકાતને મજબૂત કરવા માટે ચીને તેનું સૌથી મોટું અને સૌથી આધુનિક યુદ્ધ જહાજ પાકિસ્તાનને આપ્યું છે. તાજેતરના વર્ષોમાં ચીન આ બંને સ્થાનો પર તેની ક્ષમતામાં સતત વધારીને ભારતને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ યુદ્ધજહાજનું નિર્માણ ચાઇના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન (CSSC)એ કર્યું છે. શાંઘાઇમાં એક સમારંભમાં જહાજ પાકિસ્તાનના નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. ચીન સરકાર સંચાલિત ગ્લોબલ ટાઇમ્સે મંગળવારે જણાવ્યું હતું કે 054A/P પ્રકારના આ યુદ્ધજહાજનું નામ પીએનએસ તુઘરિલ છે.

ચીન ખાતેના પાકિસ્તાનના રાજદૂત મોઇલ અલ હકે જણાવ્યું હતું કે પાકિસ્તાનના નૌકાદળમાં પીએનએસ તુઘરિલ સામેલ થતાં હિંદ મહાસાગરમાં સત્તાનું સંતુલન સુનિશ્ચિત થશે. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ આ રિજનમાં એકંદર સુરક્ષાના સંદર્ભમાં પીએનએસ તુઘરિલ યુદ્ધજહાજથી દરિયાઇ પડકારોનો સામનો કરવાની પાકિસ્તાન નેવીની ક્ષમતામાં વધારો થશે. તેનાથી હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સત્તાનું સંતુલન જળવાઈ રહેશે. આ વર્તમાનપત્રે પાકિસ્તાન નેવીના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાન નેવી માટે નિર્માણ કરવામાં આવેલું ફોર ટાઇપ 054 ફ્રિગેટનું આ પ્રથમ યુદ્ધજહાજ ટેકનોલોજીના સંદર્ભમાં આધુનિક છે. ભૂમિ પરથી ભૂમિ પર તથા ભૂમિ પરથી હવામાં પ્રચંડ પ્રહાર કરવાનું ઉચ્ચ ક્ષમતાનું પ્લેટફોર્મ ધરાવે છે. આ યુદ્ધજહાજ દરિયાના પાણીમાંથી પણ પ્રહાર કરી શકે છે અને વ્યાપક સર્વેલન્સ કરી શકે છે.

અત્યાધુનિક કોમ્બેટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને સ્વ-બચાવની ક્ષમતાથી સજ્જ આ જહાજ વિવિધ પ્રકારના જોખમો ધરાવતા વાતાવરણમાં યુદ્ધના સંખ્યાબંધ મિશન એકસાથે પાર પાડી શકે છે. CSSCએ જણાવ્યું હતું કે ચીને નિકાસ કર્યું હોય તેવું આ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી આધુનિક યુદ્ધજહાજ છે.

ચીન પાકિસ્તાનનું નજીકનું મિત્ર છે. પાકિસ્તાનની મિલિટરી માટે શસ્ત્રોના સૌથી મોટા સપ્લાયર તરીકે ચીન ઊભર્યું છે. નૌકાદળના જહાજો ઉપરાંત ચીને JF-17 થન્ડર ફાઇટર એરક્રાફ્ટના નિર્માણ માટે પાકિસ્તાનના હવાઇદળ સાથે ભાગીદારી કરી છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના વર્ષોમાં લશ્કરી ભાગીદારીમાં મોટો વધારો થયો છે. ચીન આ રીતે હિંદ મહાસાગરમાં તેની હાજરીને મજબૂત કરીને ભારત માટે ખતરો ઊભો કરી રહ્યું છે. ચીને હિંદ મહાસાગરમાં હોર્ન ઓફ આફ્રિકામાં પ્રથમ મિલિટરી બેઝનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત ચીને અરેબિયન સમુદ્રમાં પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ હસ્તગત કર્યું છે. ચીન શ્રીલંકમાં હામબાન્ટોટા પોર્ટનું પણ નિર્માણ કર્યું છે અને તે માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન લીધી છે. પાકિસ્તાનના નૌકાદળની ક્ષમતામાં વધારો અને નૌકાદળના બેઝની ખરીદીને પગલે હિંદ મહાસાગર અને અરેબિયન સમુદ્રમાં ચીનની ક્ષમતામાં વધારો થશે.