Rohit Sharma, Navdeep Sai out of second Test against Bangladesh
REUTERS/Hamad I Mohammed

ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી-20 સીરિઝ માટે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માને ભારતીય ટી20 ક્રિકેટ ટીમનો નવો સુકાની બનાવવામાં આવ્યો છે. જ્યારે વિરાટ કોહલીને ત્રણ મેચની આ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ટી-20 સીરિઝનો પ્રારંભ થશે.

ભારતીય ટીમમાં ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આઈપીએલ-2021માં સૌથી વધુ રન નોંધાવનારા ઋતુરાજ ગાયકવાડ અને સૌથી વધુ વિકેટ ઝડપનારા હર્ષલ પટેલને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેંકટેશ ઐય્યરને પણ 16 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. ઐય્યરને ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બોલિંગ કરી શકતો નથી.ટી20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. ઋતુરાજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી સીરિઝમાં રમ્યો હતો. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ અપેક્ષા પ્રમાણે ટીમમાં સ્થાન મળ્યું છે જ્યારે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

ટી20 વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવેલા શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સુકાની તરીકે રોહિત શર્માના નામની જાહેરાત ફક્ત ઔપચારિકતા જ રહી હતી. જ્યારે લોકેશ રાહુલને ઉપ-સુકાની બનાવવામાં આવ્યો છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને અનુભવી બોલર મોહમ્મદ શમી અને ઓલ-રાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે.

ટી-20 સીરિઝ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (સુકાની), લોકેશ રાહુલ (ઉપસુકાની), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, રિશભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વેંકટેશ ઐય્યર, યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.