ચીનમાં કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થવાની સંભાવનાએ સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. ચીનમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ત્યાંના બજારો બંધ થઈ રહ્યા છે ત્યારે બેઈજિંગની દવા બનાવતી કંપની સિનોવેક બાયોટેક એક સારા સમાચાર લઈ આવી છે. આ કંપની કોરોના વાયરસ માટે જે વેક્સિન બનાવી રહી છે તેના હ્યુમન ટ્રાયલના પરિણામો સુરક્ષિત અને સકારાત્મક આવ્યા છે.
કંપનીના કહેવા પ્રમાણે આ વેક્સિન કોરોના વાયરસ સામેની લડાઈમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. આ વેક્સિનનું નામ ‘કોરોનાવેક’ રાખવામાં આવ્યું છે અને કંપનીના કહેવા પ્રમાણે તેના પરીક્ષણ દરમિયાન કોઈ મોટો કે ખતરનાક પ્રભાવ નથી જણાયો.
સિનોવેક બાયોટેકના પ્રવક્તાએ જણાવ્યું કે, 14 દિવસની અંદર આ વેક્સિનના બે ડોઝ પરીક્ષણમાં સામેલ લોકોને આપવામાં આવ્યા હતા પરંતુ તેમના પર કોઈ નકારાત્મક અસર નહોતી પડી. આ ટ્રાયલમાં સામેલ થયેલા 90 ટકા લોકોની શારીરિક પ્રતિકારક શક્તિમાં વધારો નોંધાયો હતો.