એક વખત દર્શકોને ખડખડાટ હસાવવા માટે જાણીતુ 1982નુ વિખ્યાત કોમેડી નાટક ‘નોઇસીસ ઑફ’ ફરી એક વખત લંડનના ગેરીક થિયેટરમાં આ વર્ષની શરૂઆતમાં રજૂ થઇ ચૂક્યું છે અને લાગે છે કે હજૂ આજે પણ તેણે પોતાનો ચાર્મ ગુમાવ્યો નથી.

પ્રથમ એક્ટમાં પ્રાદેશિક થિયેટર કંપની બેડરૂમના ફેર્સ માટે ટેકનિકલ રિહર્સલ કરે છે અને હતાશ ડાયરેક્ટરની સામે અભિનેતાઓ ભૂલો કરે છે. બીજા એક્ટ દરમિયાન બધુ બદથી બદતર થતુ જવા સાથે બેકસ્ટેજ પર અંધાધૂંધી થતી જોવા મળે છે અને તેમાં સામેલ લોકોએ વાસ્તવિક જીવનના નાટકો સાથે પનારો પાડવો પડે છે. તેમાં દિગ્દર્શકને બે કાસ્ટ મેમ્બર્સ સાથે સંબંધો હોય છે અને એક દારૂડીયા અભિનેતા સાથે. અંતિમ એક્ટ દરમિયાન નાટક સત્તાવાર રીતે મંચ પર રજૂ થાય છે પણ તેમાં વિશાળ પાયે ગરબડો થઈ રહી છે.

અનન્ય લેખન એક અલગ થિયેટરનો અનુભવ પ્રદાન કરે છે કારણ કે સ્ટેજ પર થતી ખોટી બાબતોને લીધે કૉમેડી થાય છે અને અભિનેતાઓ તે ઢાંકવાનો પ્રયાસ કરે છે. પ્રેક્ષકોને મનોરંજન આપવાના પ્રયાસ કરતી વખતે આ નાટકમાં સાથે કામ કરતા વિવિધ કલાકારો વચ્ચેના ઇન્ટરપ્લેને પરિણામે રમૂજી પળો ઉભી થાય છે.

કાસ્ટના સભ્યો કલાકારો તરીકે અદભૂત છે કારણ કે તેમનુ થિયેટ્રિકલ જહાજ સતત તરતું રહેવાની કોશિશ કરે છે. વૃદ્ધ હાઉસકીપરની ભૂમિકા ભજવનાર પોશ અભિનેત્રી તરીકે મીરા સયાલ તેની વર્સેટિલિટી બતાવે છે. ડેનિયલ રિગ્બીનું પાત્ર તેજસ્વી રહ્યુ છે અને સારાહ હેડલેન્ડ તેના પ્રત્યેક દ્રશ્યોને ઝગમગાવે છે. અંજલી મોહિન્દ્રા સહિતના બાકીના બધા લોકો એક સંપૂર્ણ પેકેજ પહોંચાડવા પ્રયત્ન કરે છે. થિયેટરનો આ એક અનન્ય અનુભવ છે જે કંઇક અલગ જ પ્રસ્તુતી કરે છે અને તે તમને ખડખડાટ હસાવવા માટે પૂરતો છે.