ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આવનારા દિવસોમાં રાજયના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વધુ ઠંડું રહેવાનું અનુમાન રાજ્યના ઇન્ડિયન મેટરોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. શુક્રવારે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી 4.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ તાપમાન 6.8 ડીગ્રી નોધાયું હતું. ઉપરાંત ઉત્તર ગુજરાતના ડીસામાં પણ તાપમાન 7.9 ડીગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. કેશોદ, કંડલા, અમરેલી અને ચરોતરના વલ્લભવિદ્યાનગરમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું હતું. ડિપાર્ટમેન્ટે આગાહી કરી હતી કે, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં ઠંડી વધશે.