પ્રતિક તસવીર (ANI Photo)

અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 146મી રથયાત્રાનો મંગળવારે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે લાખ્ખો શ્રદ્ધાળુઓ શોભાયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર ઉમટી પડ્યાં હતાં. જમાલપુર વિસ્તારમાં આવેલા 400 વર્ષ પ્રાચીન ભગવાન જગન્નાથ મંદિરે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની ‘પહિંદ વિધિ’ કરી હતી. આ પછી ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બેસીને નગરચર્યાએ નીકળ્યાં હતા. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

વાર્ષિક રથયાત્રાનો પ્રારંભ થાય તે પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વહેલી સવારે જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં ‘મંગળા આરતી’ કરી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ત્રણ રથો ઉપરાંત રથયાત્રામાં લગભગ 15 સુશોભિત હાથી, 100 ટ્રક અને વિવિધ ટેબ્લો અને ગાયક મંડળીનો સમાવેશ થતો હતો.

અમદાવાદના સરસપુરમાં હરિહરનો સાદ પડતા જ ભક્તોની પ્રસાદ લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી હતી અને ભાણેજને આવકારવા સરસપુર ભક્તિમય વાતાવરણમાં લીન થયું હતું. અખાડા દ્વારા વિવિધ કરતબો કરવામાં આવ્યાં હતા.

વહેલી સવારે 3:45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી, તેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ હાજર રહયાં હતાં. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. સવારે 6.30 કલાકે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને અને પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસે રથયાત્રામાં સમગ્ર રૂટ પર નજર રાખવા માટે પ્રથમ વખત 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને ઇવેન્ટ દરમિયાન કોઈ અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન થાય તે માટે એન્ટિ-ડ્રોન ટેક્નોલોજી પણ તૈનાત કરી છે. અમદાવાદમાં રથયાત્રાના રુટ સહિતના વિસ્તારોમાં ડ્રોન, થ્રિડી મેપિંગ, CCTV કેમેરા અને એન્ટી ડ્રોન ગન સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25000થી વધુ સુરક્ષા જવાનો જોડાયા હતા. શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા હતા, જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ કરાયા હતા.

રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ ભાવિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને G-20ના ટેબ્લોમાં મોદીને વિશ્વના નેતાઓ સાથે દર્શાવવામાં આવ્યા હતાં. આ ટેબ્લોમાં ભારતને વિશ્વ ગુરુ બનવા તરફની ઝાંખી હતી. મધ્યપ્રદેશના બાગેશ્વર બાબાના ટેબ્લોએ પણ ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રામાં ભગવાન શિવજી, જલારામ બાપા, ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનાં ટેબ્લો પણ હતા.

LEAVE A REPLY

3 + twelve =