પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોનાનુ સંક્રમણ તેની ચરમસીમાને વટાવી ચુક્યુ છે અને તમામ પગલાંનું પાલન કરવામાં આવશે તો આગામી વર્ષના પ્રારંભ સુધીમાં આ મહામારીને અંકુશમાં લઈ શકાશે, એમ સરકારે રચેલી વૈજ્ઞાનિકોની એક સમિતિએ જણાવ્યું હતું.

જોકે સમિતિએ ચેતવણી આપી શકે છે કે શિયાળાના આગમન અને આગામી ઉત્સવોની સિઝનને કારણે કોરોના સંક્રમણમાં વધારો થઈ શકે છે અને હાલના તબક્કે બેદરકારી રાખવામાં આવશે તો કોરોનાના કેસમાં ફરી વધારો થઈ શકે છે. સુરક્ષાના પગલાં ઢીલથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ કેસોની સંખ્યા એક મહિનામાં 26 લાખ જેટલી રહી શકે છે. દેશની અત્યાર સુધી 30 ટકા વસતિમાં ઇમ્યુનિટી વિકસિત થઈ ચુકી છે.

આ સમિતિમાં સામેલ વૈજ્ઞાનિકોની નિમણૂંક સરકારે કરી છે. હાલની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ સમિતિનું માનવું છે કે આગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંક્રમણ પર અંકુશ મુકી શકાશે. મહામારીનો અંત આવે ત્યાં સુધીમાં ભારતમાં કોરોનાના આશરે 10.5 મિલિયન (આશરે 105 લાખ) કેસ થાય તેવી શક્યતા છે.હાલમાં ભારતમાં કોરોના કેસની સંખ્યા આશરે 75 લાખ છે.સમિતિએ જણાવ્યું હતું કે જો માર્ચમાં લોકડાઉન લાદવામાં આવ્યું ન હોત તો ભારતમાં આ વર્ષા ઓગસ્ટ સુધીમાં મૃત્યુઆંક 25 લાખને વટાવી ગયો હોત. હાલમાં ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 1.14 લાખ છે.