પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, તેનાથી એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના ઘટીને માત્ર 2.8 ટકા થયો છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.

ગુરુવારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,83,849 રહી હતી. છેલ્લાં 24 કલાકમાં કુલ એક્ટિવ કેસમાં 5,391નો ઘટાડો થયો હતો. આશરે એક મહિના બાદ દેશમાં દૈનિક નવા કેસ કરતાં રિકવર થયેલા લોકોનાની સંખ્યા વધુ રહી છે. છેલ્લાં 24 કલાકમાં 24,712 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળામાં 29,791 લોકો કોરોનામુક્ત બન્યા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લાં 11 દિવસથી દેશમાં દૈનિક નવા કેસની સંખ્યા 30,000થી નીચી રહી છે. દેશમાં કોરોનાના કુલ નવા કેસમાંથી 76.48 ટકા કેસો દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા હતા. કેરળમાં સૌથી વધુ 6,169 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 3,913 અને 1,628 નવા કેસ નોંધાયા હતા. દેશમાં ગુરુવાર સવાર સુધીના 24 કલાકમાં 312 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં 93, પશ્ચિમ બંગાળમાં 34 અને કેરળમાં 22 લોકોના મોત થયા હતા. દૈનિક મોતની સંખ્યા છેલ્લાં 12 દિવસથી 400થી નીચી રહી હતી.