અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની 89મી એજીએમ બાદ બીસીસીઆઇના ટ્રેઝરર અરુણ ધુમલ, પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલા, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ અને બીજો હોદ્દેદારોએ આ ફોટોગ્રાફ આપ્યો હતો. (PTI Photo)

ઈન્ડિયન પ્રીમિયર લીગ- IPLમાં અમદાવાદ અને લખનૌની બે નવી ટીમ 2022થી ઉમેરાશે. અમદાવાદની ટીમ માટે સીવીસી કેપિટલ પાર્ટનર્સે 5625 કરોડની બિડ તથા લખનૌની ટીમ માટે RPSG ગ્રુપે 7090 કરોડની બિડમાં સફળતા મેળવી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી સીઝનથી ટુર્નામેન્ટમાં વધુ બે ટીમ સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટેની બિડ સાથે સંખ્યાબંધ દાવેદારો મેદાનમાં હતા. અમદાવાદની ટીમ માટે અદાણી ગ્રુપ સૌથી આગળ મનાતું હતું. પરંતુ અંતે અમેરિકા સ્થિત સીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ આ પહેલા પૂણે સુપરજાયન્ટ્સના માલિકો રહી ચૂક્યા હતા, હવે તેમણે લખનૌની ટીમ ખરીદી છે.

આગામી વર્ષથી હવે આઈપીએલમાં 10 ટીમો મેદાનમાં હશે. અગાઉ પણ 2011ની સીઝનમાં 10 ટીમ રમી ચૂકી છે. બે નવી ટીમના સમાવેશ પછી આઈપીએલમાં મેચની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં ખેલાડીઓની હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રીટેઈન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે.આગામી વર્ષે IPL 2022ની શરૂઆત પહેલાં મેગા ઓક્શન યોજાશે.