કોરોના વાઈરસ હવે વિશ્વના લગભગ તમામ દેશમાં ફેલાઈ ગયો છે. ગુરુવાર સવાર સુધીમાં તે વિશ્વના કુલ 176 દેશમાં ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં 8,971 લોકોના મોત થયા છે અને 219,548 કેસની પૃષ્ટી થઈ છે. સારી વાત એ છે કે 85,749 લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકા સરકાર ટૂંક સમય ઈમર્જન્સી બજેટ રજૂ કરી શકે છે.

વોશિગ્ટનના સૌથી મોટા ફૂટબોલ મેદાનને હોસ્પિટલ તરીકે તબદિલ કરવામાં આવ્યું છે. ચીને ગુરુવારે સવારે કહ્યું છે કે પોતાને ત્યાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે, વિદેશમાંથી આવેલા 34 લોકો સંક્રમિત હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિતિ ગંભીર બની રહી છે. સંક્રમિતોનો આંક 307 થયો છે. બુધવારે વધુ એક દર્દીનું મૃત્યુ થયું હતું. ઈરાનમાં પણ છેલ્લા 24 કલાકમાં 147 લોકોના મોત થયા છે.

ઈટાલી કોરોના સામેની લડાઈમાં જાણે નિસહાય જણાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 475 લોકોના મોત થયા છે. આ સાથે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક 2,978 થયો છે. સંક્રમિતોની સંખ્યા પણ 35,713 થઈ ગઈ છે. કોરોનાની સૌથી વધુ અસર ધરાવતા ચીન બાદ ઈટાલી બીજા ક્રમે છે.

દક્ષિણ કોરિયામાં ચાર દિવસ સુધી કેસ ઘટ્યા બાદ ફરી કોરોના સંક્રમણે માથુ ઉચક્યુ છે. છેલ્લા ચાર દિવસમાં આશરે 100 કેસ નોંધાયા હતા, જોકે ત્યારબાદ એક દિવસમાં 152 કેસ સામે આવ્યા છે. દક્ષિણ કોરિયાનું દાઈગુ શહેર સૌથી વધારે અસરગ્રસ્ત છે.

કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને બ્રિટનમાં તમામ સ્કૂલોને બંધ રાખવાની સરકારે જાહેરાત કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આ જાહેરાત કરતા કહ્યું હતું કે કોરોના વાઈરસ સામે લડવાની જરૂર છે. દરેક સ્થિતિની સમિક્ષા કરવામાં આવી રહી છે. બ્રિટનમાં કોરોનાથી 104 લોકોના મોત થયા છે અને 2626 કેસ પોઝિટિવ છે.

ફ્રાંસમાં જીવલેણ કોરોના વાઈરસનો હાલ કોઈ જ ઈલાજ જણાતો નથી અને છેલ્લા 24 કલાકમાં 89 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 264 થયો છે. આરોગ્ય પ્રધાન જેરોમ સલોમોને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દેશભરમાં રોકોનાથી 9134 લોકો સંક્રમિત છે અને 264 લોકોને જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાં કોરોના વાઈરસને લીધે સતત સંક્રમિતો અને મૃતકોનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 155 લોકોના મોત થયા છે, જ્યારે 9458 લોકોના સંક્રમિતોની પુષ્ટિ થઈ છે. ન્યુ ન્યુયોર્ક ટાઈમ્સ અને સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકાને રોગ નિયંત્રણ અને ઈલાજ કેન્દ્રને બુધવાર સુધી 7038 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે અને 97 લોકોના મોતની પૃષ્ટી કરી છે.