ભારતમાં નિર્મિત કોરોના વેક્સિન- કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા સરકારે માન્ય રસીની યાદીમાં સામેલ કરી છે. ભારત બાયોટેક દ્વારા નિર્મિત કોવેક્સિનને ઓસ્ટ્રેલિયાએ મુસાફરોના રસીકરણ સ્ટેટ્સ માટે મંજૂરી આપી છે. ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર બેરી ઓ ફારેલે આ માહિતી આપી છે.
અગાઉ કોવિડશિલ્ડ રસીને ઓસ્ટ્રેલિયન સરકારે મંજૂરી આપી છે. ભારતમાં અત્યાર સુધી 90 ટકા રસીઓ માત્ર કોવિશિલ્ડ દ્વારા આપવામાં આવી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન સરકારે ફાઈઝર, મોડર્ના, જોન્સન એન્ડ જોન્સન, સિનોવાક, સિનોફાર્મ અને ભારત બાયોટેકની રસીને પણ મંજૂરી આપી છે.
ઓસ્ટ્રેલિયન સરકાર તરફથી કોવેક્સિનને આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે સ્વદેશી રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મંજૂરી માટે ઘણા સમયથી રાહ જોવી પડી રહી છે. આ રસીને મંજૂરી આપવા માટે WHO દ્વારા કેટલીક વધુ માહિતી માગવામાં આવી છે. WHOના જણાવ્યા મુજબ, કેટલીક વધુ માહિતીની જરૂર છે. તેના આધારે જ રસીના ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે. અગાઉ 26 ઓક્ટોબરે WHOની બેઠક થઈ હતી, જેમાં રસીને મંજૂરી મળવાની આશા હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે WHOની બેઠક આવતીકાલ 3 નવેમ્બરે યોજાશે. આ બેઠકમાં ભારત બાયોટેકની રસી કોવેક્સિનને મંજૂરી મળી શકે છે. આ વર્ષે 19 એપ્રિલે જ ભારત બાયોટેક દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સમક્ષ અરજી કરવામાં આવી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને ભારત બાયોટેક દ્વારા આ રસી વિકસાવવામાં આવી છે.