સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે સોમવાર, 17 જાન્યુઆરીએ ચાલુ થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઓનલાઇન દાવોસ એજન્ડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંબોધન કર્યું હતું. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં સંબોધન ફરી ચાલુ કરવું પડતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાનની હાંસી ઉડાવતા જણાવ્યું હતું કે ટેલિપ્રોમ્પ્ટર પણ આટલા બધા જુઠ્ઠાણા સહન કરી શકતું નથી. જોકે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે દાવોસ એજન્ડામાં મોદીના સંબોધનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

આ ઘટના અંગે સરકાર અથવા વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હતી. કોંગ્રેસના કેટલાંક નેતાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે ટેલિપ્રોમ્પ્ટરમાં ગફલું થયું હતું. તેથી વડાપ્રધાન મોદીએ ઓનલાઇન દાવોસ એજન્ડા 2022 સમીટમાં પોતાના વિશેષ સંબોધનમાં અટકી જવું પડ્યું હતું અને ફરી ચાલુ કરવું પુડ્યું હતું. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે ફોરમના લોકો પીએમને સાંભળી શકતા ન હતા અને તેથી તેમને ફરી સંબોધન ચાલુ કરવાની વિનંતી કરી હતી.

પીએમ મોદી સોમવારે સાંજે દાવોસ એજન્ડા સમિટમાં વર્ચુઅલી સામેલ થયા હતા. જે ક્લિપ શેર કરવામાં આવી રહી છે. તેમાં તેઓ પોતાના સંબોધન દરમિયાન બોલતા-બોલતા રોકાઈ જાય છે. આની પર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું.

આ મુદ્દે પીએમ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટેલીપ્રોમ્પટર પણ આટલું ખોટુ વેઠી શક્યુ નહીં. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે ટેલિપ્રોમ્પ્ટરથી ભાષણ થઈ શકે છે, શાસન થઈ શકે નહીં. કાલે આખા દેશને આની સમજ પડી હતી. કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર વડાપ્રધાન પોતાના પ્રવચનમાં અટકી જાય છે તે ઘટનાનો વીડિયો મૂક્યો હતો અને મોદીને ટેલિપ્રોમ્પ્ટરના વ્યક્તિ ગણાવ્યા હતા.
બીજી તરફ ભાજપ નેતાઓ દ્વારા વળતો પ્રહાર કર્યો હતો. ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની તરફથી આવી હતી, જેના કારણે પીએમે સંબોધન રોક્યું હતું