ઉમર ખાલિદ
દિલ્હી રમખાણોના માસ્ટરમાઇન્ડ ઉમર ખાલિદ (ANI Photo)

સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણોના કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન આપવાનો સોમવારે ઇનકાર કર્યો હતો, જોકે અન્ય પાંચ આરોપીને જામીન આપ્યા હતાં. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે ટ્રાયલમાં વિલંબ એ કોઇ “ટ્રમ્પ કાર્ડ” નથી, જેથી આરોપીઓને આપમેળે કાયદાકીય રાહત મળી જાય.

અગાઉ 30 ડિસેમ્બરે અમેરિકાના આઠ સાંસદોના એક ગ્રુપે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાને પત્ર લખી ઉમર ખાલિદ સામે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર “ન્યાયી અને સમયસર” કેસ ચલાવવાની અને જેલમાંથી મુક્ત કરવાની માગણી કરી હતી.

ઉમર ખાલિદ ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં થયેલા રમખાણોના કેસનો માસ્ટરમાઇન્ડ આરોપી છે અને પાંચ વર્ષથી જેલમાં બંધ છે. આ રમખાણોમાં 53 લોકોના મોત થયાં હતાં અને 700થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

યુએસ પ્રતિનિધિઓ જીમ મેકગોવર્ન અને જેમી રાસ્કિન સહિતના સાંસદોએ આ રમખાણોના સંબંધમાં આરોપીઓની લાંબા સમય સુધી પ્રી-ટ્રાયલ અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્ર પર કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલ, યુએસ પ્રતિનિધિઓ જાન શાકોવસ્કી, લોયડ ડોગેટ, રાશિદ તલાઈબ અને યુએસ સેનેટર ક્રિસ વાન હોલેન અને પીટર વેલ્ચે પણ હસ્તાક્ષર કર્યા હતાં. આ અગાઉ ન્યૂયોર્કના ભારત મૂળના મેયર જોહરાન મમદાણીએ પણ ઉમર ખાલિદના નામે એક ચિઠ્ઠી લખીને ખાલિદ માટે પ્રેમ છલકાવ્યો હતો.

સોમવારે સુપ્રીમ કોર્ટે જણાાવ્યું હતું કે ખાલિદ અને ઇમામ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) ધારા હેઠળ પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. સર્વોચ્ચ અદાલતે ગુલ્ફીશા ફાતિમા, મીરાં હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહમદને જામીન આપ્યાં હતાં.

LEAVE A REPLY