ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે મેડિકલ ઓક્સિજનની અછતનો સામનો કરી રહેલા ભારતને મદદ કરવા માટે 24 એપ્રિલ 2021ના રોજ સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ઓક્સિજન ટેન્ક વિમાનમાં મૂકવામાં આવી હતી.(this picture taken April 24, 2021 obtained from social media. High Commission of India for Singapore/via REUTERS)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકન સાંસદો, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી હવે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે જો બાઈડેનને રજૂઆત કરી હતી કે ભારતને એસ્ટ્રાજેનેકા વેક્સીન અને અન્ય મેડિકલ સહાય કરવી જોઈએ. ભારતને વેક્સીનના ઉત્પાદન માટે કાચો માલ પણ પૂરો પાડવો જોઇએ.

દબાણમાં વધારાને પગલે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના કેસોમાં ઉછાળાથી અમેરિકા ચિંતિત છે તથા ભારત સરકાર અને હેલ્થ કેર વર્કર્સને વધારાના સપોર્ટ માટે તૈયારી કરી રહ્યું છે. અમે આ અંગે ટૂંકસમયમાં વધુ માહિતી આપીશું.

ભારત સરકારે દેશના વિવિધ રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની અછત દૂર કરવા સિંગાપોર સહિતના દેશોમાંથી તાકીદે સપ્લાય મેળવવા માટે યુદ્ધવિમાનો અને ટ્રેનો ગોઠવી છે.

યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડન્ટ તેમ જ આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના પ્રેસિડન્ટ માયરોન બ્રિલિએન્ટે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકા પાસે એસ્ટાજેનેકા વેક્સીનના લાખો ડોઝ સ્ટોરમાં પડયા છે. અત્યારે અમેરિકામાં પર્યાપ્ત માત્રામાં વેક્સીન છે. સ્થાનિક ઉત્પાદકો જૂન સુધીમાં વેક્સિનનો મોટો જથ્થો ઉત્પાદિત કરી દેશે. એવી સ્થિતિમાં જરૂરિયાત મંદ દેશોને વેક્સિન આપવી જોઈએ.

માયરોન બ્રિલિએન્ટે બાઈડેનને વિનંતી કરી હતી કે ભારત-બ્રાઝિલ સહિતના જે દેશોમાં કોરોનાના બીજા વેવથી હાહાકાર મચી ગયો છે ત્યાં વેક્સિન આપવી જોઈએ. તેનાથી અસંખ્ય લોકોનો જીવ બચી જશે.

તે પહેલાં ઘણાં અમેરિકન સાંસદોએ પણ બાઈડેનને વિનંતી કરી હતી કે અમેરિકન સરકાર ભારતને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડે. ભારતીય મૂળના પ્રભાવશાળી અમેરિકન નાગરિકોએ જો બાઈડેનને પોતાના મૂળ વતનને મદદ માટેની રજૂઆત કરી હતી. જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે.

અમેરિકાના મેડિકલ ક્ષેત્રના એક્સપર્ટ્સ પણ એવી રજૂઆત કરી ચૂક્યા છે કે વેક્સિનના નિર્માણ માટે જે કાચા માલની જરૂર પડે છે તેના પર અત્યારે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. એ પ્રતિબંધ હટાવી દેવો જોઈએ. તેનાથી ભારત જેવા જરૂરિયાત મંદ દેશોમાં વેક્સિનનું ઉત્પાદન વધશે.

અમેરિકામાં એવો મત વ્યક્ત થઈ રહ્યો છે કે ભારત અમેરિકાનું આર્થિક અને ડિફેન્સ ક્ષેત્રનું મહત્વનું સાથીદાર છે. ભારતના આ કપરા કાળમાં અમેરિકાએ સાથ આપવો જોઈએ. અગાઉ અમેરિકન સરકારે એવું નિવેદન કર્યું હતું કે અમે ભારતને મદદ કરવા તત્પર છીએ, પરંતુ અમેરિકામાં કોરોનાની સ્થિતિ જોતાં મદદ કરી શકીએ તેમ નથી.
અમેરિકાના ડિસિસ કંટ્રોલ વિભાગના વડા ડૉ. એન્થોની ફૌસીએ કહ્યું હતું કે દુનિયાનો એક પણ દેશ અત્યારે કોરોનાથી સલામત નથી. ભારત તેની સૌથી ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ડૉ. ફૌસીએ કહ્યું હતું કે ભારતમાં કોરોનાની ભયાનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. કોરોનાકાળનો ભારત માટે આ સૌથી મુશ્કેલ સમય છે.