કોરોના મહામારીના પ્રારંભમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની ફાઇલ તસવીર(ANI Photo)

દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનનાં વધતાં સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામાં આવી છે.. વીકેન્ડ લોકડાઉનમાં શનિવાર અને રવિવારે સમગ્ર દિલ્હી બંધ રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં વર્કફ્રોમ હોમ નીતિ લાગૂ કરવાની પણ વિચારણા થઈ રહી છે.
દિલ્હીમાં વધતા કેસની ઝડપ ઘણી વધારે છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 5 ટકા ઉપર પહોંચી ગયો છે. દેશની રાજધાનીમાં સોમવારે 4,099 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3,194 કેસ નોંધાયા હતા. હાલમાં દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 6.46 ટકા છે. જ્યારે મુંબઈમાં રવિવારે 8,063 કેસ નોંધાયા હતા તો સોમવારે 8,082 કેસ નોંધાયા હતા. તેવી જ રીતે પશ્ચિમ બંગાળમાં 6,078 કેસ નોંધાયા હતા જે રવિવારની તુલનામાં 75 કેસ વધારે હતા.

સરકારે 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપી

દેશમાં વધી રહેલા કોરોના તથા ઓમિક્રોનના કેસ વચ્ચે ભારત સરકારે અંડર સેક્રેટરી લેવલથી નીચેના 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપી છે. મંત્રાલયે જારી કરેલા આદેશમાં તેમ પણ જણાવાયું છે કે શારીરિક રીતે અક્ષમ તથા ગર્ભવતી મહિલા કર્મચારીઓને ઓફિસમાં આવવાથી રાહત આપવામાં આવી છે. સરકારે 31 જાન્યુઆરી સુધી તેના તમામ કર્મચારીઓ માટે બાયોમેટ્રિક એટેન્ડન્સ રદ કરી દીધી છે.