સતત ત્રીજા સપ્તાહે કોરોના કેસોમાં ઉછાળો આવતાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ રૂ.500થી વધારીને રૂ.2000 કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્કનું વિતરણ કરવા તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોને અપીલ કરી હતી. સરકારે કોરોના કેસ વધુ છે તેવા માર્કેટ્સ બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

દેશની રાજધાનીમાં કોરોના કેસોમાં વધારો થતાં કેન્દ્ર સરકારે પેરા-મેડિકલ પર્સોનલની વ્યવસ્થા કરી છે અને હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કર્યો છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું હતું કે સરકાર 1,400 આઇસીયુ બેડની વ્યવસ્થા કરશે. તેમાંથી દિલ્હી સરકારની હોસ્પિટલમાં 663 બેડ અને કેન્દ્ર સરકાર સંચાલિત હોસ્પિટલમાં 750 બેડની વ્યવસ્થા કરાશે.

ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે નોન-આઇસીયુ બેડનું પ્રમાણ 50 ટકાથી વધારીને 60 ટકા કરાશે. ખાનગી હોસ્પિટલમાં 80 ટકા આઇસીયુ બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવાના નિર્ણયનો ગુરુવારથી અમલ થશે. બુધવારની સાંજ સુધીમાં દિલ્હીમાં 7,486 નવા કેસ નોંધાયાં હતાં અને 131 વ્યક્તિના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 5 લાખને વટાવી ગયા છે.