પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ ચૂંટણી રેલીમાં અરવિંદ કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા, જે મુદ્દે આજે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હવે દિલ્હીની બે કરોડ પ્રજા નક્કી કરશે કે હું તેમનો દિકરો છું કે આતંકવાદી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, વીતેલા પાંચ વર્ષમાં મેં દિલ્હીના દરેક બાળકને પોતાના બાળકની જેમ રાખ્યો છે અને તેમના માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરી છે. શું તે મને આતંકવાદી બનાવે છે? મેં લોકો માટે દવા અને પરિક્ષણની વ્યવસ્થા કરી, શું કોઈ આતંકવાદી આવું કરે છે?

કેજરીવાલે જણાવ્યું હતું કે, હું ડાયબિટિક છું. દિવસમાં ચાર વખત ઈન્સુલિન લઉં છું. જો ડાયબિટીઝનો દર્દી ઈન્સુલિન પર છે અને ત્રણ-ચાર ક્લાક સુધી ભોજન નહીં કરે તો તે પડી જાય છે અને મરી જાય છે. તેવી સ્થિતિમાં પણ મેં ભ્રષ્ટાચારની વિરુદ્ધ બે વખત ભૂખ હડતાલ કરી છે, એક વખત 15 દિવસ અને પછી 10 દિવસ. ધરણા દરમિયાન ડોક્ટરે મને કહ્યું કે કેજરીવાલ 24 ક્લાકથી વધારે જીવીત રહેશે નહીં.

મેં દેશ માટે મારો જીવ દાવ પર લગાવી દીધો. છેલ્લા પાંચ વર્ષોમાં તેમણે મને હેરાન-પરેશાન કરવાની કોઈ તક છોડી નથી. મારા ઘર પર, મારા કાર્યાલય પર દરોડ પાડ્યા અને મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. હું કેવીરીતે ત્રાસવાદી છું?