પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીને કારણે મોકુફ રાખવામાં આવેલી ધોરણ-12ની બોર્ડ પરીક્ષા પહેલી જુલાઇથી લેવાનો રાજ્ય સરકારે મંગળવારે નિર્ણય કર્યો હતો. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષાખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિથી 1/7/2021એ ગુરૂવારથી યોજાશે. ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બાદ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવેએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.