શનિવાર, 13 સપ્ટેમ્બરના રોજ, લંડન દાયકાઓમાં સૌથી મોટા ફાર રાઇટ દેખાવોનું સાક્ષી બન્યું હતું અને ફાર રાઇટ કાર્યકર્તા ટોમી રોબિન્સન દ્વારા આયોજિત “યુનાઇટ ધ કિંગડમ” રેલીમાં અંદાજે 110,000થી 150,000 લોકો એકઠા થયા હતા. લોકોએ યુનિયન જેક્સ અને સેન્ટ જ્યોર્જ ક્રોસના ધ્વજ લહેરાવ્યા હતા. તેમણે વોટરલૂ સ્ટેશનથી વેસ્ટમિન્સ્ટર તરફ કૂચ કરી, ઇમિગ્રેશનનો વિરોધ કર્યો અને રાષ્ટ્રીય ઓળખ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે પોલીસ અધિકારીઓ પરના હુમલાઓની નિંદા કરતા કહ્યું હતું કે ‘’અમે પોલીસ અધિકારીઓ પર કરાતા હુમલાઓ અથવા અમારી શેરીઓમાં તેમની પૃષ્ઠભૂમિ અથવા તેમની ત્વચાના રંગને કારણે ડર અનુભવતા લોકો પરત્વેના દ્વેષને સહન કરીશું નહીં. લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે. તે આપણા દેશના મૂલ્યોનો મુખ્ય ભાગ છે. બ્રિટન એક ગર્વથી સહિષ્ણુતા, વિવિધતા અને આદર પર બનેલો દેશ છે. આપણો ધ્વજ આપણા વૈવિધ્યસભર દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે તેને ક્યારેય એવા લોકોને સોંપીશું નહીં જેઓ તેનો ઉપયોગ હિંસા, ભય અને વિભાજનના પ્રતીક તરીકે કરે છે.”
ટોમી રોબિન્સને સ્ટેજ પરથી કહ્યું હતું કે “બ્રિટન આખરે જાગી ગયું છે અને આ ક્યારેય દૂર થવાનું નથી. સોમાલીયન, અફઘાની, પાકિસ્તાની, બધાના અધિકારો તમારા – બ્રિટિશ જનતાના, આ રાષ્ટ્ર બનાવનારા લોકોના અધિકારો કરતાં વધુ મહત્વપૂર્ણ છે.” તેમણે દાવો કર્યો કે બ્રિટિશ અદાલતોએ ચુકાદો આપ્યો છે કે દસ્તાવેજો વગર સ્થળાંતર કરનારાઓના અધિકારો “સ્થાનિક સમુદાય” ના અધિકારોને બદલે છે. તેમણે હોમ ઓફિસ સામે એપિંગ કાઉન્સિલના નિષ્ફળ કેસનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસ અધિકારીઓને લાતો અને મુક્કાઓ મારવામાં આવ્યા હતો તો અમુક સ્થળે “બોટલ, ફ્લેર્સ અને અન્ય અસ્ત્રો ફેંકવામાં આવ્યા હતા. જેમાં 26 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાં ચારને ગંભીર ઇજાઓ થઈ છે. હિંસક અવ્યવસ્થા, હુમલા અને ગુનાહિત નુકસાન જેવા ગુનાઓ માટે ઓછામાં ઓછા 24 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ મહિલાઓ અને 21 પુરુષો હતા. જેમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ 58 વર્ષની અને સૌથી નાની વ્યક્તિ 19 વર્ષની હતી.
કથિત ગુનાઓમાં સામાન્ય હુમલો, ગુનાહિત નુકસાન, ઇમરજન્સી વર્કર્સ પર હુમલો અને હથિયાર રાખવાનો સમાવેશ થાય છે. તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ કરવા અને સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે પોલીસ કામ કરી રહી છે.
રેલીમાં જોડાયેલા લોકોને કારણે વ્હાઇટહોલ, પાર્લામેન્ટ સ્ક્વેર, બ્રિજ સ્ટ્રીટ, વેસ્ટમિન્સ્ટર બ્રિજ ઉભરાઇ ગયા હતા. ઘણા લોકો વિક્ટોરિયા એમ્બેન્કમેન્ટ તરફ વળ્યા હતા. મોટી ભીડે પોલીસના નિર્દેશોને અવગણીને, હોર્સ ગાર્ડ્સ એવન્યુ, વ્હાઇટહોલ પ્લેસ, નોર્થમ્બરલેન્ડ એવન્યુ અને ક્રેવેન સ્ટ્રીટ તરફ ડાબી તરફ વળીને વ્હાઇટહોલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પોલીસે ‘સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ’ વિરોધમાં ભાગ લેનારા લોકો સાથેની અથડામણને ટાળવા દરમિયાનગીરી કરવી પડી હતી. જેને પગલે લોકોએ પોલીસ પર હુમલા કર્યા હતા. પોલીસ અધિકારીઓએ સંપૂર્ણ રક્ષણાત્મક સાધનો પહેરવા પડ્યા હતા અને ઘણી જગ્યાએ ઢાલ, ઘોડાઓ અને કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દેખાવકારોએ વેસ્ટમિન્સ્ટર બ્રિજ ઉપર કૂચ કરી ડાઉનિંગ સ્ટ્રીટ નજીક રેલી કરી હતી, જેમાં યુરોપ અને નોર્થ અમેરિકાના ફાર રાઇટ પક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા ભાષણો કરવામાં આવ્યા હતા.
આ રેલીને ફ્રેન્ચ ફાર રાઇટ રાજકારણી એરિક ઝેમ્મોર, રેબેલ ન્યૂઝના એઝરા લેવન્ટ, જર્મની, પોલેન્ડ, હોલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ અને ન્યુઝીલેન્ડના રાજકારણીઓ અને કાર્યકરોએ પણ સંબોધન કર્યું હતું. કેટલાક વક્તાઓએ બ્રિટનમાં વસતા અને ખ્રિસ્તી ધર્મ સિવાય બીજો ઘર્મ પાળતા લોકોના જાહેર ધાર્મિક સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી હતી.
X અને ટેસ્લાના માલિક બિલીયોનેર ઉદ્યોગપતિ ઇલોન મસ્કે અમેરિકાથી વિડીયો લિંક દ્વારા ભીડને સંબોધિત કરી હતી. મસ્કે યુકે સંસદનું વિસર્જન કરી સરકાર બદલવાની હાકલ કરી હતી તેમણે દાવો કર્યો હતો કે “હિંસા તમારી પાસે આવી રહી છે. તમે કાં તો લડો નહીંતર તમે મરી જાઓ.”
વડા પ્રધાન કેર સ્ટાર્મરે મસ્કની ટિપ્પણીઓને “ખતરનાક” અને “અયોગ્ય” ગણાવી હતી. જ્યારે લેબર નેતા ડાયેન એબોટે રેલીને સ્ત્રી-દ્વેષી અને ખતરનાક ગણાવી હતી. મસ્કને બ્રિટિશ રાજકારણીઓની વ્યાપક નિંદાનો સામનો કરવો પડ્યો હતો.
જોઇન્ટ પોલીસ કમિશનર મેટ ટ્વિસ્ટે જણાવ્યું હતું કે ઘણા ઉપસ્થિત લોકો વિરોધ કરવાના તેમના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતા. પણ અન્ય લોકો હિંસા પર ઉતર્યા હતા.
રેલીના પ્રતિભાવમાં, ટ્રેડ યુનિયનો અને ફાશીવાદ વિરોધી જૂથો દ્વારા પ્રતિ-વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 5,000 લોકો જોડાયા હતા જેમને નોંધપાત્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર રોબિન્સનના સમર્થકો તરફથી હુમલા કરાયા હોવાના અને અવરોધ કરાયાના અહેવાલો બહાર આવ્યા છે. અધિકારીઓએ હિંસા ફેલાવનાર ગુનેગારોની તપાસ કરવા અને તેમને જવાબદાર ઠેરવવાની પ્રતિજ્ઞા લીધી છે.
“યુનાઇટ ધ કિંગડમ” રેલીએ યુકેમાં વાણી સ્વતંત્રતા, ઇમિગ્રેશન અને ફાર રાઇટ ઉગ્રવાદના ઉદયના મુદ્દાઓ પર રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરી છે. જ્યારે કેટલાક લોકો વિશાળ સંખ્યામાં મતદાનને અભિવ્યક્તિની સ્વતંત્રતાની મજબૂતાઈના પુરાવા તરીકે જુએ છે, ત્યારે અન્ય લોકો નફરતથી પ્રેરિત રાષ્ટ્રવાદના સામાન્યકરણ પર ચિંતા વ્યક્ત કરે છે. આ ઘટના બ્રિટિશ સમાજમાં રહેલા ઊંડા વિભાજન અને આવા મોટા પાયે થઈ રહેલા પ્રદર્શનો વચ્ચે જાહેર વ્યવસ્થા જાળવવામાં સત્તાવાળાઓ જે પડકારોનો સામનો કરે છે તે દર્શાવે છે.
“યુનાઇટ ધ કિંગડમ” રેલીના અંશો
- જાતિવાદ વિરોધી ચેરિટી ‘હોપ નોટ હેટ’એ આ કાર્યક્રમને બ્રિટનનો અત્યાર સુધીનો સૌથી મોટો ફાર રાઇટ વિરોધ ગણાવ્યો હતો.
- રેલીમાં ભાગ લેનારા લોકો દેશના ખૂણેથી ટ્રેન અને કોચ દ્વારા લંડન આવ્યા હતા.
- રેલીમાં મુસ્લિમ વિરોધી દ્વેષપૂર્ણ ભાષણો જોવા મળ્યા હતા.
- રેલીમાં મોટાભાગે શ્વેત લોકો જોડાયા હતા અને સેવન નેશન આર્મીના સૂર પર “કીર સ્ટાર્મર્સ અ વાન્કર” ગાયું હતું.
- કેટલાકે “ટોમી”, “હુઝ સ્ટ્રીટ? અવર સ્ટ્રીટ” અને “ઇંગ્લેન્ડ”ના નારા લગાવ્યા હતા અને ટોમી રોબિન્સનના સમર્થનમાં પ્લે કાર્ડ રાખ્યા હતા.
- લોકો ભાષણો જોઇ શકે તે માટે ત્રણ મોટી સ્ક્રીનો લગાવાઇ હતી.
- લોકો સ્ટેજને વધુ સારી રીતે જોઇ શકે તે માટે બસ સ્ટોપ અને પોર્ટેબલ શૌચાલય પર ચઢી ગયા હતા.
- મંચ પરથી મુસ્લિમ બ્રધરહુડ, ઇસ્લામિક સ્ટેટ અને પેલેસ્ટાઇનના ધ્વજને ફાડી નાખી નારા લગાવ્યા હતા.
- મંચ પરથી એક વિડીયો રજૂ કરાયો હતો જેમાં એક ગ્રુમિંગ ગેંગના દોષિત સભ્યોની તસવીરો રજૂ કરાઇ હતી અને ત્યારબાદ એક શ્વેત મહિલાને રડતી દર્શાવાઇ હતી.














