પાકિસ્તાન
સાઉદી અરેબિયાના રિયાધમાં ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ એકબીજાને ભેટી રહ્યા છે.Saudi Press Agency/Handout via REUTERS

કતારના દોહામાં ઇઝરાયેલના હવાઇહુમલા પછી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટ વચ્ચે સાઉદી અરેબિયા અને પરમાણુ શસ્ત્ર ધરાવતા પાકિસ્તાને બુધવાર, 17 સપ્ટેમ્બરે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે જો કોઈ એક દેશ પર હુમલો થશે તો તે બંને દેશો પર હુમલો ગણાશે.

આ સમજૂતી અંગે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે આ ગતિવિધિની આપણી રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પર થતી અસરોનો અભ્યાસ કરીશું. સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

ગલ્ફ આરબ દેશોને લાંબા સમયથી અમેરિકા સુરક્ષાની ગેરંટી મળતી હતી, પરંતુ કતાર પર ઇઝરાયેલા હુમલા પછી અમેરિકાની વિશ્વસનીયતા ઘટી છે. સાઉદીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કરાર વર્ષોની ચર્ચાઓનું પરિણામ છે. આ કોઈ ચોક્કસ દેશો કે કોઈ ચોક્કસ ઘટનાઓનો પ્રતિભાવ નથી, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા અને ઊંડા સહયોગનું સંસ્થાકીયકરણ છે.

આ કરારથી ભારત સહિત એશિયામાં વ્યૂહાત્મક ગણતરીઓ બદલાઈ શકે છે. અત્યાર સુધી સાઉદી અરેબિયાએ ઈરાન અને ઇઝરાયલ બંને સાથે સંબંધો સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ગાઝા યુદ્ધે આ પ્રદેશના સમીકરો બદલી નાંખ્યાં છે. કતાર પર વર્ષમાં બે વાર સીધી હુમલો થયો છે, એક વાર ઈરાન દ્વારા અને એક વાર ઇઝરાયલ દ્વારા.
નામ ન આપવાની શરતે સાઉદીના વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનના હરીફ ભારત સાથે પણ સંબંધો સંતુલિત કરવાની જરૂરિયાત સ્વીકારીને જણાવ્યું હતું કે ભારત સાથેના અમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત છે. અમે આ સંબંધને આગળ વધારવાનું ચાલુ રાખીશું અને શક્ય હોય તે રીતે પ્રાદેશિક શાંતિમાં યોગદાન આપવાનો પ્રયાસ કરીશું.

આ કરાર હેઠળ પાકિસ્તાન સાઉદી અરેબિયાને પરમાણુ સુરક્ષા કવચ પૂરું પાડશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે “આ એક વ્યાપક રક્ષણાત્મક કરાર છે જેમાં તમામ લશ્કરી માધ્યમોનો સમાવેશ થાય છે.”

પાકિસ્તાનના સરકારી ટેલિવિઝન પર કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એકબીજાને ગળે લગાવતા દર્શાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે પાકિસ્તાનના સેના પ્રમુખ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાજર હતા, જેમને પાકિસ્તાનના સર્વેસર્વા માનવામાં આવે છે.

LEAVE A REPLY