સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને સરકારે મંગળવારે મંત્રણા માટે બોલાવ્યા હતા. વિવિધ ખેડૂત સંગઠનોના નેતાઓ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આવ્યા હતા. (PTI Photo/Kamal Kishore)

કૃષિ બિલોના વિરોધમાં દિલ્હીની સીમા પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ આંદોલનના 5 દિવસ પછી મંગળવારે સરકાર સાથે મંત્રણા ચાલુ કરી હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂતોની સરકાર સાથે બેઠક ચાલુ થઈ હતી. બેઠક પહેલા કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે અમે તેમના મુદ્દાનું સામાધાન કાઢવા અંગે ચર્ચા કરીશું. તેમની વાત સાંભળ્યા પછી સરકાર તેનો ઉકેલ લાવશે. બેઠકમાં તોમરની સાથે વાણિજ્ય પ્રધાન સોમ પ્રકાશ અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલ હાજર રહ્યાં હતા.

ગાજીપુર-ગાજિયાબાદ બોર્ડર પર ઉપસ્થિત ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકેતે જણાવ્યું હતું કે સરકારે પંજાબના પ્રતિનિધિમંડળને બપોરે 3 વાગ્યે ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને દિલ્હીના ખેડૂત નેતાઓ સાથે સાંજે 7 વાગ્યે ચર્ચા કરવામાં આવશે. અમે બધા જ આ મામલામાં સંપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ.

કૃષિ બિલોના વિરુદ્ધમાં પંજાબના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી. પોલીસે તેમને બોર્ડર પર જ રોકી દીધા. ખેડૂતોએ રવિવારે કહ્યું કે હવે દિલ્હીના 5 એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરાશે. તેઓ ચાર મહિના સુધી ચાલે તેટલાં રાશન-પાણી સાથે લઈને આવ્યાં છે. અગાઉ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બેઠક કરી હતી.