યુકેના રાજકારણમાં સતત વિભાજન જોવા મળી રહ્યું છે. લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બિને ગુરુવારે એક નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી હતી. કોર્બિને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં શાસક પક્ષના અન્ય એક ભૂતપૂર્વ અગ્રણી સાથે મળીને એક નવો રાજકીય પક્ષ બનાવી રહ્યા છે. 2017 અને 2019માં લેબર નેતા તરીકે બે ચૂંટણીઓ હારી ગયેલા કોર્બિને અને અપક્ષ સાંસદ ઝારા સુલ્તાનાએ નવા ડાબેરી પક્ષનો ઉલ્લેખ ‘યોર પાર્ટી’ તરીકે કર્યો હતો, પરંતુ પછી જણાવ્યું હતું કે, નવા પક્ષનું નામ હજુ નક્કી કર્યું નથી. તે બંનેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘એક નવા પ્રકારના રાજકીય પક્ષની સ્થાપના કરવાનો સમય પાકી ગયો છે. આ એક એવો પક્ષ હશે જેના મૂળમાં આપણા સમુદાયો, ટ્રેડ યુનિયનો અને સામાજિક આંદોલન છે.’
તેમણે આ જાહેરાતમાં ‘સંપત્તિ અને સત્તાના ફરીથી સામુહિક વિકેન્દ્રીકરણ માટે અનુરોધ કરીને કહ્યું હતું કે તેઓ ‘ઇઝરાયલને તમામ શસ્ત્રોના વેચાણનો અંત લાવવાની માગણી કરતા રહેશે.’ તેમણે ‘મુક્ત અને સ્વતંત્ર પેલેસ્ટાઇન’ માટે પણ કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. 2019ની ચૂંટણીઓમાં બોરિસ જોન્સનના નેતૃત્ત્વમાં કન્ઝર્વેટિવ્ઝ સામે તેમનો રકાસ થયા પછી 76 વર્ષના કોર્બિને લેબરના નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. 2020માં સ્ટાર્મરના નેતૃત્વમાં લેબર પાર્ટીએ તેમને યહૂદીઓ મુદ્દે પક્ષમાંથી પણ સસ્પેન્ડ કર્યા હતા.

LEAVE A REPLY