ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસર બહાર બેઠક વ્યવસ્થા કરી લોકોને ભક્તિ કરવા માટે સુવિધા ઊભી કરાઇ હતી. સોમનાથમાં દેશભરમાંથી આશરે 10 લાખ ભાવિકો દર્શન લાભ લે તેવો અંદાજ હતો. સોમનાથ ટ્રસ્ટના સૂત્રો અનુસાર સોમવારના દિવસે 75,000થી વધુ ભાવિકો દર વર્ષે ઉમટતા હોવાથી અને તથા જન્માષ્ટમી સહિત રજાના દિવસોમાં મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.
હર હર ભોલેના નાદ સાથે સોમનાથમાં 30 દિવસીય શિવોત્સવ ચાલશે. અમદાવાદના કર્ણમુક્તેશ્વર, ચકુડિયા મહાદેવ, કામનાથ મહાદેવ અને શિવાનંદ આશ્રમ સહિતના શિવ મંદિરોમાં પૂજનના આયોજન કરાયા હતાં. ભાવનગર શહેર અને જીલ્લામાં દરેક શિવમંદિરો રોશની, કમાનો, પતાકા, ધજા દ્વારા શણગારવામાં આવ્યા હતાં. શહેરના ભીડભંજન મહાદેવ, બારસો મહાદેવ, જશોનાથ મહાદેવ, થાપનાથ મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, જ્યારે જીલ્લામાં ગોપનાથ મહાદેવ, સાંઢીડા મહાદેવ, ગૌતમેશ્વર મહાદેવ, નવનાથ મહાદેવ ભાવિકોએ મંદિરોમાં શિવલીંગની પૂજા અર્ચના, રૂદ્રી, અભિષેક જેવા આયોજનો થકી પુરી શ્રધ્ધાથી શ્રાવણ માસમાં લોકો લીન થયા હતાં.
જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો આ અનેરા અવસરે ભક્તોમાં શિવજીની પૂજા અર્ચનાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથમાં દેવાધિદેવ મહાદેવનો અભિષેક-પૂજન કરવા માટે ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. ભક્તોએ જળ, દૂધ, મધ, શેરડીનો રસ સહિત સુગંધિત દ્રવ્યોથી ભગવાન શિવને અભિષેક કર્યો હતો. તદુપરાંત બિલ્વપત્ર, ધતુરાના ફૂલ અને પુષ્પો ચઢાવી ધન્યતા અનુભવી હતી.
