પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બુધવારે 13થી 40 વર્ષની વયના 4 લોકોના કથિત હાર્ટ અટેકથી મોત થયા હતા. બુધવારે સુરતના ગોડાદરાની ગીતાજંલી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની રિદ્ધિ મેવાડા વર્ગખંડમાં એકાએક જ ઢળી પડી હતી. આ આખી ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રિદ્ધિને બચાવવા માટે તરત જ પ્રયાસ શરૂ કરી દેવાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચી શકે એ પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

અમદાવાદમાં ખાનપુરના 30 વર્ષીય રહેવાસી હર્ષ સંઘવીનું પણ કથિત હાર્ટ અટેકથી મોત થયું હતું. બુધવારે હર્ષ બસમાં મુસાફરી કરી રહ્યો હતો એ વખતે તેને કથિત અટેક આવ્યો હતો. હર્ષ પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં આવેલા યાત્રાસ્થળ ભાંડવાજી ખાતે ગયો હતો.

આ જ પ્રકારની વધુ એક દુખદ ઘટના જામનગર બની હતી. ગરબા પ્રેક્ટિસ દરમિયાન જામનગરનો 19 વર્ષીય વિનિત કોવાડિયા ઢળી પડ્યો હતો. વિનિત છેલ્લા બે મહિનાથી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ભાવનગરથી પણ હાર્ટ અટેકનો કિસ્સો સામે આવ્યો હતો. 40 વર્ષીય ખેડૂત અરવિંદ પંડ્યાને રાશન કાર્ડ કઢાવવાનું હોવાથી તેઓ તળાજા મામલતદાર કચેરીમાં બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ આપવા ગયા હતા. એ વખતે જ તેઓ એકદમથી ફસડાઈ ગયા હતા.  મંગળવારે સુરતમાં એક સોનીનું કથિત હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદરામાં રહેતા અશોક કુમાર કામેથી પાછા આવ્યા બાદ એકાએક જ જમીન પર ઢળી પડ્યા હતા.

LEAVE A REPLY

one × two =