ફ્રેન્ચ ઓપનમાં 27 સપ્ટેમ્બર 2020ના રોજ સ્ટેન વાવરિન્કા સામે બ્રિટનના એન્ડી મરે રમી રહ્યા છે. (Photo by Shaun Botterill/Getty Images)

કાતિલ ઠંડાના વાતાવરણમાં શરૂ થયેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાના પહેલા જ રાઉન્ડમાં યુકેનો સ્કોટિશ સ્પર્ધક – એક વખતનો વિશ્વનો પ્રથમ ક્રમાંકિત એન્ડી મરે પહેલા રાઉન્ડમાં જ સ્ટાન વાવરિન્કા સામે સીધા સેટ્સમાં 6-1, 6-3, 6-2થી હારી ગયો હતો. થાપાની સર્જરીના કારણે પોતાની પૂર્ણ ક્ષમતાએ રમી શકતો નહોતો. તેને આ સ્પર્ધમાં એન્ટ્રી માટે વાઈલ્ડ કાર્ડની જરૂર પડી હતી. યુએસ ઓપનમાં તે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો.

તો મહિલાઓની સિંગલ્સમાં વિક્ટોરીઆ અઝારેન્કાએ તેના પ્રથમ મુકાબલામાં ડાંકા કોવિનિકને એક કલાકથી થોડા વધુ સમયમાં સીધા સેટ્સમાં 6-1, 6-2થી હરાવી હતી. વિક્ટોરીઆએ પણ અહીં અતિશય ઠંડા માહોલમાં રમવાનું આવતાં તે બાબતે થોડો આક્રોશ ઠાલવ્યો હતો.

રવિવારથી શરૂ થયેલા આ ગ્રાંડ સ્લેમ ઈવેન્ટમાં એસોસિએશનની અપેક્ષાઓથી વિરૂદ્ધ, કોવિડ-19ના રોગચાળાના બીજા વેવના કારણે સરકારે નવેસરથી નિયંત્રણો જાહેર કરતાં હવે દરેક મેચમાં ફક્ત 1,000 પ્રેક્ષકોને જ પ્રવેશ આપી શકાય છે. એના કારણે મોટું નુકશાન થયાનું ફ્રેન્ચ ટેનિસ એસોસિએશનના માર્કેટીંગ ચીફ સ્ટીફન મોરેલે જણાવ્યું હતું.

નવા નિયંત્રણો મુજબ ખેલાડીઓને પણ ફક્ત બે હોટલમાં જ સમાવાયા છે, તો તેમની અવર જવર ઉપર પણ ઘણી વ્યાપક મર્યાદાઓ લાગું કરાઈ છે. સ્ટેડિયમમાં મેચ રમતા ખેલાડીઓ સિવાય બધાએ માસ્ક પહેરવા ફરજિયાત છે. ત્યાંની શોપ્સ, ફૂડ આઉટલેટ્સ વગેરે બંધ છે.