(Photo by Peter Summers/Getty Images)

લોકડાઉન હળવુ થતાં આગામી ઓગસ્ટ માસથી ટ્રેઝરીની યોજના મુજબ એમ્પલોયરે ફરજ બજાવતા કર્મચારીઓના વેતનની ચોથા ભાગની રકમ ચૂકવવી પડશે અને એમ્પલોયર ઇચ્છે તેટલા કલાક માટે ફર્લો કરાયેલા કર્મચારીઓને પાર્ટ ટાઇમ માટે પાછા લઇ શકશે. ચાન્સેલર ઋષી સુનક આવતા અઠવાડિયે તેની જાહેરાત કરનાર છે.

કંપનીઓએ નેશનલ ઇન્સ્યોરંશની રકમ ભરવાનું ફરીથી શરૂ કરવું પડશે અને સરકાર પેન્શનમાં ફાળો આપવાનું ચાલુ રાખશે. અત્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના ત્રીજા ભાગ જેટલા એટલે કે આઠ મિલિયનથી વધુ લોકોને ફર્લો કરાયા છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીએ જણાવ્યું હતુ કે આ યોજનાનો ખર્ચ £80 બિલિયન થઈ શકે છે.

ચાન્સેલર ઋષી સુનકે જણાવ્યું હતું કે ‘’બ્રિટન એક ખૂબ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આવનારા દિવસો, અઠવાડિયા અને મહિનાઓમાં લોકો નોકરીઓ ગુમાવશે. તેમણે અગાઉ ચેતવણી આપી હતી કે દેશ અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યો છે.’’

વડા પ્રધાન આવતા અઠવાડિયે લોકડાઉન હળવુ કરવાના બીજા તબક્કાની યોજનાઓની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે, જે અંતર્ગત જો કોરોનાવાયરસને દબાવવામાં પૂરત સફળતા મળશે તો તા. 1 જૂનથી દુકાનો અને શાળાઓ ખુલી શકે છે. સરકાર ઇચ્છે છે કે જો લોકો ઘરેથી કામ ન કરી શકે તેઓ કામ પર જઇ શકે છે.

ટ્રેઝરીનો અંદાજ છે કે ફર્લો યોજનાથી લોકોના ઘરની આવકને થનારૂ આર્થિક નુકસાન અડધું થઈ ગયું છે પરંતુ શ્રી સુનકે સ્વીકાર્યું હતું કે તે કાયમી નથી. ફર્લો યોજના ઑક્ટોબરના અંત સુધી લંબાવાઇ છે પરંતુ તે ત્યારે જ ઉચિત બનશે જ્યારે કર્મચારીઓ કામ પર પાછા જાય ત્યારે એમ્પલોયર તેમના વેતનમાં ફાળો આપશે. હાલમાં સરકાર ફર્લો કરાયેલા કામદારોના વેતનના 80 ટકા અથવા મહિનાના મહત્તમ £2500 તેમજ નેશનલ ઇન્સ્યોરંશ અને પેન્શન ફાળો આપે છે.

ટ્રેઝરીની યોજના મુજબ એમ્પલોયર્સ 20થી 30 ટકા કર્મચારીઓના વેતન ચૂકવશે અને નેશનલ ઇન્સ્યુરંશ (પગારના 5%) પણ ચૂકવશે. એમ્પ્લોયરોએ કર્મચારીઓએ કરેલા કામના કલાકોની ઘોષણા કરવી પડશે.

વેતનનો પોતાનો હિસ્સો ચૂકવવામાં નિષ્ફળ જનાર અને યોજનાનો દુરૂપયોગ કરી છેતરપિંડી કરનાર અને કર્મચારીઓ સાથે કરારનો ભંગ કરનાર એમ્પલોયર સામે ફરિયાદ કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. છેતરપિંડીનું જોખમ ઘટાડવા ફેરફારો પહેલાં આ યોજના નવા અરજદારો માટે બંધ કરવામાં આવશે.

હોસ્પિટાલિટી ઉદ્યોગ ખાસ કરીને પબ્સ, રેસ્ટૉરન્ટ્સ અને હોટલો સૌથી છેલ્લે ખોલાશે અને લગભગ બે મિલિયન નોકરીઓ જઇ શકે છે.